ખેસ પહેરેલા નેતા જે બોલે અને રાણાજી બોલે એ સરખું!.
રાણાજી, મહાનાળાની સફાઇ 15 દિવસમાં થઇ જશે તેમ તમે જ ડાયસ પરથી કહ્યું હતું પણ હજું સફાઇ થઇ નથી...
શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતા મહાનાળાની સફાઇ બાબતે કોર્પોરેટર આશિષ જોશીએ સામાન્ય સભામાં કમિશનરનો ઉધડો લઇ લીધો હતો.અને ત્યારે કમિશનરે સામાન્ય સભાના ડાયસ પરથી કહ્યું હતું કે 15 દિવસમાં કામ થઇ જશે પણ આ વાતને મંગળવારે 15 દિવસ પુરા થઇ ગયા છે. છતાં કમિશનરે કરેલા વાયદાનું પાલન થયું નથી. કમિશનર બોલ બચ્ચન છે તે ફરી એક વાર સાબિત થયું છે. કમિશનરના કારણે આ વખતે પણ ચોમાસા પહેલા મહાનાળાની યોગ્ય રીતે સફાઇ થાય તેવું લાગતું નથી કારણ કે કમિશનરને હવે ઇગો નડી રહ્યો છે અને કમિશનરના ઇગોના કારણે આ વિસ્તારના હજારો લોકોને આ વર્ષે પણ માનવસર્જિત નહીં પણ કમિશનરસર્જિત પૂરનો સામનો કરવો પડશે તે નિશ્ચીત છે.

મહાનાળાની હાલત એકદમ ખરાબ છે. ઠેર ઠેર ગંદકી, કચરો છે તો પાણીમાં મગર અને સાપ જેવા જળચર પણ છે. નાળાના કાંઠે સુકાઇ ગયેલા ઝાંડીઝાખરા નાળામાં પડી ગયા છે. ઝાડ પણ તૂટીને નાળામાં જ પડ્યા છે. ભારે કાદવ અને કીચડ તથા કચરો હોવાના કારણે અત્યારે મહાનાળામાંથી પાણી પણ પસાર થઇ શકે તેવી સ્થિતી નથી. દર વર્ષે આ નાળાના કારણે જ આસપાસનો સમગ્ર વિસ્તાર પાણીનો યોગ્ય નિકાલ ના થતાં જળબંબાકાર થઇ જાય છે. અને દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે. કોર્પોરેટર આશિષ જોશીએ આ મામલે કોર્પોરેશનમાં રજૂઆતો કરી હતી છતાં પગલાં લેવાયા ન હતા જેથી આશિષ જોશીએ 24 માર્ચના રોજ કોર્પોરેશનની સામાન્ય સભામાં કમિશનર સમક્ષ ઉગ્ર દલીલો કરી હતી અને તેથી કમિશનરને ખોટુ લાગી ગયું હતું. રાણાજીએ સામાન્ય સભાના ડાયસ પરથી કહ્યું હતું કે 15 દિવસમાં મહાનાળાની સફાઇનું કામ શરુ થઇ જશે પણ મંગળવારે 8 એપ્રીલે 15 દિવસ પૂરા થઇ ગયા છે પણ નાળાની સફાઇનું કામ શરુ જ થયું નથી. આવતીકાલે ટેન્ડર ખુલવાના છે પણ આ કામ કરવા કોઇ જ રાજી નથી. આશિશ જોશીએ તો વગર ટેન્ડરે જ આ સફાઇનું કામ થઇ શકે છે તેમ પણ જણાવ્યું હતું પણ કમિશનર માન્યા ન હતા. આશિષ જોશીની રજૂઆત બાદ મેયર અને ડે.મેયરે સ્થળની વિઝીટ કરી હતી અને બીજા દિવસથી સફાઇનું કામ શરુ થયું હતું પણ પછી બંધ પણ થઇ ગયું હતું. ત્યાં પંપ પણ મુકવામાં આવ્યો હતો પણ કમિશનરે ઇગો રાખીને પંપ ચાલુ કરવાની પણ ના પાડી દીધી હતી. જેથી 15 દિવસથી પંપ પણ ત્યાં જ પડી રહ્યો છે. કમિશનરના ઇગોના કારણે આ કામ શરુ થશે કે કેમ તે અંગે લોકોમાં પણ ચિંતા છે.

નાળુ સાફ થશે કે કેમ તેની રહીશોને ચિંતા..
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી મહાનાળાની સફાઇ થઇ જ નથી. નાળામાં સાપ અને મગર પણ છે ઝાડ પડી ગયા છે અને ભારે કાદવ કિચડ અને કચરો જમા થયો છે તેથી પાણી જતું નથી. વારંવાર રજૂઆતો કર્યા પછી પણ કોર્પોરેશન તેમનું સાંભળતું પણ નથી. નાળુ સાફ થશે કે કેમ તેની રહીશોને ચિંતા સતાવી રહી છે.
જાહેરાત કરે 15 દિવસ થયા પણ કામ જ શરુ થયું નથી...
કમિશનર 24 માર્ચે ડાયસ પરથી બોલ્યા હતા કે 15 દિવસમાં કામ થઇ જશે અને મંગળવારે 15 દિવસ થઇ ગયા છે પણ કામ શરુ થયું જ નથી. કોઇ વિઝીટ કરવા પણ આવતું નથી. કોઇ અધિકારી આવવા માગે તો કમિશનર તેને ખખડાવે છે. આ કામ વગર ટેન્ડરે જ થઇ શકે છે તેમ મે વારંવાર કહ્યું છે પણ મારુ કોઇ સાંભળતું નથી. કમિશનરનું ધ્યાન માત્ર વિશ્વામિત્રી પર જ છે પણ મહાનાળાની સફાઇ પર નથી. જે નાળા ની સફાઈ માટે કમિશનર જોડે મારે ઉગ્રતા થી બોલવું પડ્યું એની પાછળ આવેલ મહા નગર કોલોની ના નાગરિકો છે અને આ નાગરીકો જ આ કાંસ વર્ષો થી સાફ નથી થઇ તેમ જણાવે છે. ત્યાં મગર પણ છે. આજે હું જાતે સ્થળ પર જઈ ને પરિસ્થિતિ જોઈ આવ્યો છું.
આશિષ જોશી, કોર્પોરેટર


Reporter: admin