વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત કેસમાં પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સાથે ગાંજાનું સેવન કરનાર આરોપી રક્ષિત ચૌરસિયાની વારસીયા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ કરી છે.
આરોપી રક્ષિતની હવે પોલીસ પૂછપરછ કરશે. આ ઉપરાંત સુરેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, ગાંજો રક્ષિત લાવ્યો હતો. સુરેશ ભરવાડ પણ હાલ વારસીયા પોલીસની કસ્ટડીમાં છે. હવે રક્ષિત પણ વારસીયા પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ બંનેને સાથે રાખીને પૂછપરછ કરશે. જેમાં નવા ખુલાસા થઈ શકે છે. આ ઉપરાંત પોલીસે સુરેશના ભાડાના ઘરે જઈને પણ તપાસ કરી હતી. ઉલ્લેખનિય છે કે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ આરોપી રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
તેમના બ્લડ સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ મળ્યો હતો. જેમાં રક્ષિત, પ્રાંશુ અને સુરેશના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી હતી. જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે એનડીપીએસ એકટની કલમ 27 A મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણેયને આરોપી દર્શાવાયા હતા અને પ્રાંશુ ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી.
Reporter: admin