પ્રમુખની જવાબદારી પ્રમુખ જ નિભાવે, મહામંત્રી ઉપર ઢોળાય નહી.સંકલનમાં પડદા પાછળ રહીને,બંધ ચેમ્બરમાં પ્રમુખપદની જવાબદારી નિભાવાય નહી....
નવા શહેર પ્રમુખ પાસે, લોકોની ખૂબ આશા-અપેક્ષા છે.થોડા આકરા થઈને,જનહિતમાં નિર્ણય લેવા પડશે.ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવવી પડશે.જુની પરંપરા તોડવી પડશે.આ જ કારણસર ૩૫ માંથી ૨૨ પ્રમુખો આરએસએસ બેગ્રાઉન્ડ ધરાવનારા છે.સામી છાતીએ બેઠકમાં આવીને જનહિતમાં આકરા નિર્ણય લેવા પડશે.કોઈનાં ઈશારે હોબાળો મચાવનારાને સબક શીખવાડવો પડશે.

સામાન્ય રીતે વર્ષોથી એવો શિરસ્તો છે કે, જ્યારે પણ સ્થાયી સમિતીની બેઠક મળવાની હોય તે પહેલાં ભાજપની સંકલન બેઠક મળે છે. તેમાં સ્થાયી સભ્યો દ્વારા શહેરના વિકાસના કામોની રજૂઆત થતી હોય છે. આવી જ સંકલન સમિતીની બેઠક પૂર્વે નમો કમલમ શહેર ભાજપ કાર્યાલય ખાતે મળી હતી. જેમાં શહેરના નવા પ્રમુખ ડો.જયપ્રકાશ સોની પહેલીવાર જ હાજર રહ્યા હતા.જો કે સંકલનની બેઠકમાં સ્થાયીના સભ્યો જે રીતે પોતાના કામો મંજૂર કરાવવા માટે ઉગ્ર દલીલો કરીને હોબાળો કર્યો તેને જોતાં જ શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોની સ્તબ્ધ થઇ ગયા હતા. તેઓ પોતાની પહેલી જ સંકલનની બેઠક છોડીને બહાર નિકળી ગયા હતા. તેમણે એમ પણ કહ્યું હોવાનું જાણવા મળે છે કે તેઓ હવે કોઇ દિવસ સંકલનની બેઠકમાં હાજર નહી રહે. મારા બદલે શહેર મહામંત્રી બેસશે. મારું કોઈ માર્ગદર્શન જોયતું હશે તો હું આપીશ. એમ કહી શકાય કે શહેર પ્રમુખ પહેલી બેઠકમાં જ 'રણ' છોડ બન્યા હતા.
તાજેતરમાં જ ભાજપ હાઇકમાન્ડે વડોદરાના ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોને આંચકો આપીને સંઘના કાર્યકર એવા ડો.જયપ્રકાશ સોનીને શહેર ભાજપ પ્રમુખ બનાવ્યા છે. તેમનો આ રાજકારણનો પહેલો અનુભવ છે એટલે કે રાજકારણના પાઠ તેઓ હવે શીખી રહ્યા છે. સંઘના કાર્યકર હોવાના નાતે તેમણે સંગઠનનું ચોક્કસ કાર્ય કરેલું હશે પણ શહેર ભાજપમાં જે રીતે રાજકારણ ચાલે છે તેમનો કદાચ તેમને અનુભવ જ નહી હોય. સ્થાયીની બેઠક પહેલા મળેલી સંકલનની બેઠકમાં જે રીતે હોબાળો થયો અને તેને જોઇને ડો.સોનીને કેવો આઘાત લાગ્યો કે તેમણે સંકલનની બેઠકમાંથી બહાર નિકળી જવાનું મુનાસીબ માન્યું. પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હોવાથી તેમણે મને કે કમને સંકલનની બેઠકમાં બેસવું જ જોઇએ. શહેર ભાજપની સંકલન બેઠકમાં પોતાના મળતીયાઓને કામ મળે, પોતાના વિસ્તારના કામોને અગ્રીમતા અપાય તે સહિત આંતરીક જૂથબંધીમાં પણ ઘણો હોબાળો થતો હોય છે. ડો.સોનીને શહેર ભાજપના રાજકારણમાં કેવી જૂથબંધી છે તેનો અંદાજ સંકલનની પહેલી જ બેઠકમાં આવી ગયો છે. ડો.સોની મુખ્યત્વે યુનિવર્સિટીમાં વહિવટી ક્ષેત્રે વર્ષો સુધી કામ કરી ચુકેલા છે અને સાથે બાલ્યકાળથી સંઘના કાર્યકર્તા છે. તેમણે સંઘના વરિષ્ઠ કાર્યકર હોવાના કારણે તેમણે સંગઠનને લગતું કામ કરેલું છે. તેઓ હવે સંઘની તાલીમ હેઠળ શહેરનું રાજકારણ ચલાવશે તે નક્કી છે. તેઓ અત્યારે શહેર ભાજપના સંગઠન અને કાર્યકરોનો તાલ જોઇ રહ્યા છે જેમ સમય વીતશે તેમ તેઓ આ સડો કેવી રીતે દુર થાય તેના પ્રયાસો કરશે તે ચોક્કસ છે.જરૂર પડ્યે આકરા પગલા લેવા પડશે.

ડો.સોની હોંશિયાર છે, રણ ના છોડે...
સંકલનની બેઠકમાંથી બહાર નિકળી ગયેલા શહેર પ્રમુખે ભલે રણ છોડી દીધું પણ તેઓ હોંશિયાર છે અને સંઘની ગળથૂથી તેમણે પીધેલી છે. પણ પહેલી બેઠક તેમની પાણીમાં ગઇ તેમ કહી શકાય. આમ તો સંઘે જ તેમને શહેર ભાજપનું પ્રમુખપદ સોંપ્યું છે જેથી હવે તેઓ સંઘની વિચારધારાને આગળ ધપાવીને શહેરનો સર્વાંગી વિકાસ થાય તેવા કામોને અગ્રીમતા આપશે. કોઇપણ ચમરબંધી હશે તેને ગાંઠશે નહી અને તેનો અનુભવ શહેર ભાજપના કાર્યકરો અને નેતાઓને આગામી દિવસોમાં અચૂક થશે પણ એક વાત ચોક્કસ છે કે તેમણે આ રીતે સંકલનની બેઠકમાંથી નિકળી જવું ના જોઇએ. તેમણે પ્રમુખ હોવાના નાતે પણ સંકલનમાં બેસવું જોઇએ અને આગામી જેટલી પણ આ પ્રકારની બેઠક મળે તેમાં પણ અચૂક હાજર રહેવું જ જોઇએ.પ્રમુખની જવાબદારી પ્રમુખ જ નિભાવે, મહામંત્રી ઉપર ઢોળાય નહી.સંકલનમાં પડદા પાછળ રહીને,બંધ ચેમ્બરમાં પ્રમુખપદની જવાબદારી નિભાવાય નહી.


Reporter: admin