News Portal...

Breaking News :

નવા ચીફ ફાયર ઓફિસર પાટીલ ભાઉને ,વેન્ડરો પાઠ ભણાવી રહ્યા છે

2025-03-14 10:32:31
નવા ચીફ ફાયર ઓફિસર પાટીલ ભાઉને ,વેન્ડરો પાઠ ભણાવી રહ્યા છે


શહેરના નવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલની નિમણુંક તો ક્યારની થઇ ગઇ છે પણ ફાયર બ્રિગેડની કોઇ જ પ્રકારની કામગીરીનો અનુભવ ના હોવાથી તેઓ હવે કામ કેવી રીતે કરવું , ક્યા નિયમોના આધારે ફાયર એનઓસી આપવી તે સહિતની બાબતોમાં ભરાઇ ગયા છે. તેમના કારણે ફાયર એનઓસી માટે અરજી કરનારા લોકોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બિન અનુભવી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે ચાર્જ લીધે મહિનો થયો છે. પણ તેમને અનુભવ ના હોવાથી ક્યા નિયમોના આધારે ફાયર એનઓસી આપવી, શું જોવું અને શું ના જોવું તે સહિતની માહિતી તેઓ વેન્ડરો પાસેથી મેળવી રહ્યા છે. તેમણે અત્યાર સુધી નેતાઓની ભલામણની 4 એનઓસી સિવાય કોઇ જ એનઓસી આપી નથી તેમ જાણવા મળ્યું છે. સીએફઓ મનોજ પાટીલ પહેલા બેંકમાં માત્ર સેફ્ટી ઓફિસરની નોકરી કરતા હતા અને ત્યાં આવી એનઓસી આપવાનું હોતું નથી પણ હવે વહલા દવલાની નીતિના કારણે અને કમિશનરના ખાસ હોવાથી તેમને સીએફઓ તો બનાવી દેવાયા છે.  પણ કામગીરીનો અનુભવ જ ના હોવાથી કામગીરી કઇ રીતે કરવી તે વેન્ડરને પુછી રહ્યા છે.  તેમને ફાયર બ્રિગેડની કામગીરીનો કોઇ જ અનુભવ નથી. ફાયર સિસ્ટમ ક્યાં અને કેવી રીતે લગાવવી અને તેને કેવી રીતે જોવી, કઇ સિસ્ટમ લગાવવી અને કઇ સિસ્ટમ ના લગાવવી તે બાબતે તેઓ હવે વેન્ડરને પુછીને તાલિમ લઇ રહ્યા છે. અને તેનો ભોગ વડોદરાવાસીઓ બની રહ્યા છે.  સામાન્ય અરજદારોની 218 એનઓસીની અરજીઓ પેન્ડિગ છે અને અરજદારો રોજ ધક્કા ખાઇ રહ્યા છે. 



વડોદરા શહેરના મ્યુનિ.કમિશનરનાં પ્રતાપે શહેરને એવો ચીફ ફાયર ઓફિસર મળ્યો છે કે જેને ચીફ ફાયર ઓફિસરનો કોઇ જ અનુભવ નથી. તેણે કોઇપણ નગરપાલિકા કે મહાનગરપાલિકામાં 3 વર્ષ ફિલ્ડમાં પણ કામ કર્યું નથી અને તેમની પાસે યોગ્ય લાયકાત પણ નથી છતાં ઉચ્ચ અધિકારીઓના વિશેષ આશિર્વાદથી તેઓ ચીફ ફાયર ઓફિસર બની ગયા છે. ભલે તેઓ લાગવગ ભલામણથી સીએફઓ બની ગયા પણ હવે શું કામ કરવું તેની ગતાગમ તેમને પડતી નથી અને તેના કારણે તેમણે ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી એનઓસી મેળવવા માટે આવેલી 218 અરજીઓ પેન્ડિગ છે કારણ કે તેમને ખબર જ પડતી નથી. હાઈ રાઇઝ બિલ્ડીંગ, લો રાઇઝ બિલ્ડીગ, સ્કૂલ, હોટલ, બેન્ક, રેસ્ટોરન્ટ, બિલ્ડરોન વિ. એનઓસી કેવી રીતે અપાય અને ના અપાય. એનઓસી આપવા શું શું ધારાધોરણો અને નિયમોનું પાલન કરવું પડે...ફાયર બ્રિગેડમાં કોઇ પણ અરજદાર ત્રણ પ્રકારની એનઓસી માટે અરજી કરે છે જેમાં પ્રોવિઝનલ એનઓસી, ફાઇનલ એનઓસી અને ટેમ્પરરી એનઓસીનો સમાવેશ થાય છે. હવે આ 218 અરજીઓ પર નવા સીએફઓએ સહી જ કરી નથી અને તેથી અરજીઓ પેન્ડિંગ રહેતા ધુળ ખાઇ રહી છે અને અરજી કરનારા બિચારા અરજદારો રોજ ધક્કા ખાઇ રહ્યા છે. અને પોતાના ચંપલ ઘસી રહ્યા છે. તેમના રુપિયા પણ રોકાઇ ગયા છે. રાણાજીની એક ભૂલને કારણે નાગરીકોને કેટલી તકલીફ ભોગવવી પડે છે તેનો આ ઉત્તમ નમુનો છે. જ્યાં અધિકારીને ખબર જ નથી કે તેણે શું કરવાનું છે. નવા સીએફઓને ગુજરાતી ભાષા બોલતા પણ આવડતું નથી અને તેઓ હિન્દી ભાષાનો પ્રયોગ કરે છે જેથી સામાન્ય નાગરીકો સાથે તેઓ સીધો સંપર્ક કરી શકતા નથી. 



અગાઉ નવા સીએફઓએ પીએ રાખ્યો હોવાની ચર્ચા ઉઠી હતી.
વડોદરાવાસીઓનું કિસ્મત તો જુવો કે નવા ફાયર ઓફિસર લાગવગના જોરે ફાયર વિભાગમાં જોડાઇ તો ગયા છે પણ હવે મુસીબત એ ઉભી થઇ છે કે તેમને કામ શું કરવું તેની ગતાગમ સુદ્ધાં પડતી નથી. જેથી અગાઉ એવી પણ ચર્ચા થઇ હતી કે તેમણે એક અનઓફિશીયલી પીએ રાખ્યો છે અને આ પીએ મહાશય પોતાના સાહેબને ફાયર બ્રિગેડનો કક્કો શીખવાડી રહ્યા છે. ફાયર વિભાગમાં જોડાયા પછી ફાયર બ્રિગેડની કામગીરી શીખવી તે તો વડોદરા ફાયર બ્રિગેડમાં જ જોવા મળે. ફાયર વિભાગની તો જાણે કે પનોતી બેઠી છે અને બિચારા જુનિયર ફાયર ઓફિસરો અને ફાયરમેનોને એવા સાહેબનો આદેશ માનવો પડે છે જેમને કંઇ આવડતું જ નથી. ફાયર બ્રિગેડના ઇતિહાસમાં આ પહેલો બનાવ હશે તેમાં સીએફઓએ પોતાનો અંગત પીએ રાખ્યો હોય.

Reporter: admin

Related Post