News Portal...

Breaking News :

ચિરાગ બારોટે એકલો જાને રે નીતિ અનુસરીને આજવામાં તરતા પોન્ટુન નું નિરીક્ષણ કર્યું...

2024-05-15 18:46:28
ચિરાગ બારોટે એકલો જાને રે નીતિ અનુસરીને આજવામાં તરતા પોન્ટુન નું નિરીક્ષણ કર્યું...

 નાયબ મેયર ચિરાગ બારોટ એકાએક સક્રિય બની ગયા છે.કવિવર ટાગોર નું એક જાણીતું કાવ્ય કહે છે કે તારી જો હાંક સુણી કોઈના આવે રે તો એકલો જાને રે...

  નાયબ મેયર સાહેબે કદાચ આ પંક્તિમાં થી પ્રેરણા લીધી છે. એમણે મનપાના અન્ય સાથી પદાધિકારીઓ અને નગરસેવકો ને સાથે આવવા હાંક મારી કે નઈ,એમની હાંક કોણે કોણે અનસુની કરી એ તો ખબર નથી.

  પરંતુ છેલ્લા બે દિવસ થી તેઓ એકલો જાને રે ની માફક ચોક્કસ જગ્યાઓએ એકલા મુલાકાત લઈ રહ્યા છે.

  સારી વાત છે,લોકોની સમસ્યાઓ ઉકેલવાની આ તત્પરતા બિરદાવવા યોગ્ય જ ગણાય.

   પરંતુ જે વિસ્તારમાં જાય ત્યાંના સ્થાનિક નગર સેવકને સાથે રાખીને લોકોની રજૂઆતો સાંભળે એ ઉચિત ગણાય.મનપામાં બીજા નંબરનો ઉચ્ચ હોદ્દો તેઓ ધરાવે છે.ત્યારે પદ અનુસાર ઔચિત્ય દાખવવાની એમની પાસે અપેક્ષા રાખી શકાય.

   તાજેતરના વાવાઝોડામાં આજવા સરોવરમાં પાણીના તરતા પંપ જે ટેકનિકલ ભાષામાં પોન્ટુન તરીકે ઓળખાય છે એ પવનના વેગમાં પોતાના મૂળ સ્થાને થી ખસી ગયા.

   તેના લીધે પાણી પુરવઠામાં મુશ્કેલી પડી શકે.સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીના ધ્યાન પર આ બાબત આવતા તેમણે તુરત જ મ્યુ.કમિશનર સાહેબનું ધ્યાન દોરીને પોન્ટુન પૂર્વવત કરાવવા જણાવ્યું હતું.

   તેની કામગીરી તેમણે ચાલુ કરાવી દીધી હતી.ગઈકાલે એક પંપને પૂર્વવત કરવામાં આવ્યો હતો.અને આજે બીજા બે પંપ પણ પૂર્વવત કરી દેવામાં આવ્યા.

  તેવા સમયે નાયબ મેયર એકલા જ ત્યાં પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ જાણકારી મેળવીને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

લોકોના કામ માટેની આ તત્પરતા આમ તો બિરદાવવા યોગ્ય ગણાય.પરંતુ પદ્ધતિ થોડો વિખવાદ ઊભો કરનારી છે.પક્ષની સંવાદિતા ખોરવનારી છે.

   સ્થાયી અધ્યક્ષે આ બાબતમાં કમિશનર સાથે પરામર્શ કરીને સુધારણા નું કામ ચાલુ કરાવ્યું જ હતું.ત્યારે તેઓ તેમને પણ સાથે લઈ ગયા હોત,સાથે આવવાનો આગ્રહ કર્યો હોત તો કદાચ વધુ ઉચિત ગણાત.

  જોગાનુજોગ આજે સ્થાયી અધ્યક્ષ પણ પૂર્વ વિસ્તારમાં વરસાદી કામોનો જાયજો લઈ રહ્યા હતા.નાયબ મેયર એમની સાથે આ નિરીક્ષણમાં જોડાઈ શક્યા હોત અને પછી બંને સાથે આજવા ગયા હોત તો વધુ રૂડું ગણાત.

  ગઈકાલે તેઓ આ રીતે લોક પ્રશ્નોની રજૂઆત સાંભળવા સ્થાયી અધ્યક્ષના વોર્ડમાં જ પહોંચી ગયા અને તે પણ એકલા..!!

  નાયબ મેયર નું કાર્યક્ષેત્ર આમ તો આખું  શહેર ગણાય. તેઓ ઈચ્છે ત્યાં જઈને લોક સંપર્ક કરી શકે અને મુશ્કેલીઓ નિવારી શકે.પરંતુ સંબંધિત વિસ્તારના નગર સેવકને સાથે રાખે તો સારું લાગે.

     તેમનું પદ હોદ્દાના ક્રમમાં બીજા નંબરનું અને સ્થાયી અધ્યક્ષનું પદ ત્રીજા નંબરનું ગણાય.આ રીતે તેઓ વડીલ પદાધિકારી છે.ત્યારે એમણે સ્થાયી અધ્યક્ષના વિસ્તારમાં જતી વખતે એમને સાથે આવવા કહેવું જોઈતું હતું.કીધું હતું કે નહિ એ તો તેઓ જ કહી શકે.

  એકજ પક્ષમાં બધા જુદો રાગ આલાપે તો નુકશાન પક્ષને જ થાય.પક્ષના સાથી તરીકે તમામ નગરસેવકો ના પરસ્પર સંબંધ,હોદ્દાને બાજુ પર મૂકીને નિખાલસ હોવા જોઈએ.

   એવું જાણવા મળ્યું છે કે મેયર બહેનશ્રી પણ નાયબ મેયરશ્રી ની આ આજવા મુલાકાત થી અજાણ હતા.હવે ઇન્તજાર એ છે કે આવતીકાલે નાયબ મેયર કયા વિસ્તાર કે કામનું નિરીક્ષણ કરશે અને આ વિસ્તાર કે કામ પણ સીધી કે આડકતરી રીતે સ્થાયી અધ્યક્ષ સાથે સંબંધિત હશે? થોભો અને રાહ જુવો...

Reporter: News Plus

Related Post