દિલ્હી : ચીનના વિજ્ઞાાનીઓએ લશ્કરી કાર્યવાહી કરી શકે તેવા મચ્છર જેવડાં કદના ટચૂકડાં ડ્રોન વિકસાવ્યા છે.
મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં આવેલી નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી-એનયુડીટી- ખાતે કાર્યરત રોબોટિક્સ લેબોરેટરી દ્વારા આ ડ્રોન વિકસાવવામાં આવ્યા છે તેમ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અખબારે તેના અહેવાલમાં જણાવ્યું છે. આ મચ્છર ડ્રોનનો પ્રોટોટાઇપ ચીનના સેન્ટ્રલ ટેલિવિઝનની મિલિટરી ચેનલ પર દર્શાવવામાં આવ્યો હતો. એનયુડીટીના સ્ટુડન્ટ લિઆંગ હેશીઆંગે સીસીટીવીને પોતાના હાથમાં રહેલાં મચ્છર ડ્રોનને દર્શાવી જણાવ્યું હતું કે મારા હાથમાં મચ્છરના કદનો રોબોટ છે. આ મિનિએચર રોબોટ યુદ્ધમાં માહિતી એકત્ર કરવાના કામમાં અને ખાસ મિશન પાર પાડવાના કામ માટે બનાવવામાં આવ્યો છે. તેના લઘુ કદ અને અભૂતપૂર્વ ક્ષમતાઓને કારણે તે ઘણાં ઉદ્યોગો અને કામોમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટે સમર્થ છે.
મચ્છરના કદના આ રોબોટને બે નાનકડી પાંખો અને વાળ જેવા પાતળાં ત્રણ પગ છે. આ રોબોટને સ્માર્ટ ફોન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેની લંબાઇ એક મચ્છર જેટલી એટલે કે આશરે 1.3 સેન્ટીમીટર છે. આ ડ્રોનના પાંદડા જેવી પાંખો અને પાતળાં પગ ખાસ લશ્કરી કામગીરી માટે વિક્સાવવામાં આવ્યા છે. ત્રણ પાતળાં પગને આધારે આ ડ્રોન હથેળીમાં લેન્ડ થઇ શકે છે. આ ટચૂકડાં ડ્રોન શહેરોમાંં લડવા માટે તથા ઇલેકટ્રોનિક સર્વિલિયન્સ માટે ઉત્તમ સાધન પુરવાર થઇ શકે છે. આ ટચૂકડાં ડ્રોનને પારખવા લગભગ અશક્ય હોઇ તે જાસૂસી કામ માટે ઉત્તમ સાધન બની શકે છે. તેના સંચાલન માટે હથેળીમાં સમાઇ જાય તેવડું ઉપકરણ પૂરતું થઇ પડે છે.
Reporter: admin