વડોદરામાં સતત બીજા દિવસે આકસ્મિક મોતની ઘટના બનતા હાહાકાર મચી ગયો છે.

સમા સાવલી રોડ પર ગઇ રાતે થાર ચાલકે બે બાઇક ચાલકને ટક્કર મારતાં 1નું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે અન્યને ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે શનિવારે કારેલીબાગ અમિત નગર સર્કલ પાસે ધમધમતા ટ્રાફિકમાં એસ.ટી બસની અડફેટે આવેલા 5 વર્ષના બાળકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. એક તરફ પોલીસ રાષ્ટ્રીય સલામતી માસ સમાપન નો કાર્યક્રમ કરી રહી છે ત્યારે જ અકસ્માતની 2 ઘટનાઓએ પોલીસને પણ વિચારતી કરી મુકી હતી. અમિત નગર સર્કલ પાસે બનેલા અરેરાટીભર્યા અકસ્માતના સીસી ટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં એક બાળક દોડતો દોડતો રોડ ક્રોસ કરી રહેલો દેખાય છે અને તે જ સમયે એસટી બસ પણ ત્યાં સ્પીડમાં આવતા બાળક કચડાઇ ગયું હતું અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. અમિતનગર સર્કલ પાસે ગેરકાયદેસરના વાહનોનો જમાવડો

શહેરના અમિતનગર સર્કલ પાસે દિવસ રાત ગેરકાયદેસર વાહનોનો રાફડો ફાટેલો રહે છે. અમદાવાદ તરફ જતા ખાનગી વાહનો અહીં બિન્ધાસ્તપણે પોલીસની મીઠી નજરથી ઉભા રહે છે અને તેના કારણે આ રસ્તો સાંકડો થઇ જાય છે પરિણામે સલતત અકસ્માતો સર્જાતા રહે છે, ભુતકાળમાં પણ સવારના સમયે અંબે વિદ્યાલયના વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત થયું હતું અને ત્યારબાદ એસ.ટી તંત્રએ પોતાનું સ્ટેન્ડ ખસેડીને સમા તળાવ પાસે લઇ ગયું હતું પણ પોલીસની મહેરબાનીના પ્રતાપે અહી ખાનગી વાહનો તો ઉભા જ રહે છે. વહિવટદારો દ્વારા પોલીસને હપ્તા આપીને ખાનગી વાહનો અહી ઉભા રહે છે અને અમે તાજેતરમાં જ અમિતનગરમાં ટ્રાફિક પોલીસને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો અને તે સમયે આશંકા પણ વ્યક્ત કરી હતી કે અમિતનગર સર્કલ અકસ્માત ઝોન બની ગયો છે પણ પોલીસે બે ત્રણ દિવસ માત્ર નામ પુરતા જ પગલાં લીધા હતા અને ત્યારબાદ ફરીથી ખાનગી વાહનોનો જમાવડો લાગી ગયો હતો અને તેમાં પોલીસની નિષ્ફળતાના કારણે જ આજે આ અકસ્માત સર્જાયો હતો.
Reporter: admin