News Portal...

Breaking News :

મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના સફાઇ સેવીકાને પ્રશસ્તિપત્ર મારફત અભિનંદન પાઠવ્યા: ગ્રામ્ય સ્વચ્છતા માટેના અવિરત યોગદાનની સરાહના કરી

2025-12-29 12:13:51
મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના સફાઇ સેવીકાને પ્રશસ્તિપત્ર મારફત અભિનંદન પાઠવ્યા: ગ્રામ્ય સ્વચ્છતા માટેના અવિરત યોગદાનની સરાહના કરી


સેવા શબ્દ માત્ર બે અક્ષરોનો છે, પરંતુ તેને જીવનમાં ઉતારવો અત્યંત મહત્વનો છે.-મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ




સફાઈ માત્ર કામ નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે. –સફાઈ સેવિકા શ્રીમતી મંજુલાબેન એન. સોલંકી
વડોદરા, તા.29: વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના બાવળીયા ગામે નિવાસ કરતી સફાઈ સેવિકા મંજુલાબેન એન. સોલંકીની નિષ્ઠાપૂર્વકની સેવાઓને રાજ્ય સરકારે વિશેષ માન આપ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તેમને પ્રશસ્તિપત્ર મારફત અભિનંદન પાઠવી, ગ્રામ્ય સ્વચ્છતા માટેના તેમના અવિરત યોગદાનની સરાહના કરી છે.મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે “સેવા” શબ્દ માત્ર બે અક્ષરોનો છે, પરંતુ તેને જીવનમાં ઉતારવો અત્યંત મહત્વનો છે. ગાંધીજીના સ્વચ્છતા સંબંધિત વિચારોથી પ્રેરાઈને મંજુલાબેન છેલ્લા છ વર્ષથી વધુ સમયથી ગામની સ્વચ્છતા માટે સતત કાર્યરત છે, જે અત્યંત સરાહનીય છે.મુખ્યમંત્રીશ્રીએ ખાસ ઉલ્લેખ કર્યો કે, વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના બાવળીયા ગામની સફાઈ વ્યવસ્થામાં મંજુલાબેનનું યોગદાન ઉદાહરણરૂપ છે. તેમણે દિવસ-રાત ગામના હિત માટે કામ કરી અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.તાજેતરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ‘ગ્રામ દર્શન’ કાર્યક્રમ અંતર્ગત સિનોર ખાતે થયેલી મુલાકાત દરમિયાન પણ મંજુલાબેનની સેવાભાવના અને સ્વચ્છતા બાબતની સમજણની પ્રશંસા સ્વયં રાજ્યપાલ દ્વારા કરવામાં આવી હતી. ગ્રામ્ય સ્તરે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં તેમના સક્રિય સહકારને વિશેષ માન મળ્યું છે.


મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સેવાકાર્ય માટે મળતું આવું સન્માન અન્ય સેવિકાઓને પણ પ્રોત્સાહન આપે છે અને સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. અંતે તેમણે મંજુલાબેનને ભાવિ કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.મંજુલાબેનએ પોતાને મળેલા પ્રશસ્તિપત્ર બાબતે જણાવ્યું હતું કે, આજે મને મળેલું આ સન્માન માત્ર મારું નહીં પરંતુ સમગ્ર સફાઈ સેવિકા સમુદાયનું સન્માન છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મારી નાની સેવાઓને માન્યતા આપી તે મારા માટે ગૌરવની ક્ષણ છે. મને ખુબ આનંદ થયો છે. હું માનું છું કે સફાઈ માત્ર કામ નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે. મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા વિષયક વિચારો મને હંમેશા પ્રેરણા આપે છે. સ્વચ્છતા હશે તો આરોગ્ય સારું રહેશે અને ગામ વિકાસની દિશામાં આગળ વધશે.છેલ્લા ઘણા વર્ષોથી હું મારા ગામની સફાઈ માટે દિવસ-રાત નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છું. આ કાર્યમાં મને ગ્રામજનો, પંચાયત અને અધિકારીઓનો સતત સહયોગ મળ્યો છે, તેના માટે હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.આ સન્માન મને વધુ જવાબદારીની અનુભૂતિ કરાવે છે. હું સંકલ્પ લઉં છું કે, ભવિષ્યમાં પણ ગામને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા મારી સેવાઓ ચાલુ રાખીશ અને અન્ય ગ્રામજનોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરીશ. તેમણે અન્ય નાગરીકોને સંદેશો પાઠવતા “સફાઇ તો રાખવીની જ” એમ ભારપુર્વક આગ્રહ કર્યો હતો.

Reporter:

Related Post