રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા કલેકટર કચેરી ખાતે સાંસદ અટલ જનસેવા કેન્દ્રનું લોક સમર્પણ કર્યું હતું.
તેમણે વડોદરા લોકસભા મતદાર વિસ્તારના નાગરિકોને તમામ સરકારી યોજનાઓના લાભો સરળતાથી ઉપલબ્ધ કરાવવા સિંગલ વિન્ડો જેવી આ સુવિધા શરૂ કરવા માટે સાંસદ ડો.હેમાંગ જોશીને અભિનંદન આપ્યા હતા અને મતદાર વિસ્તારના નાગરિકોની યથાસંભવ કાળજી લેવાના તેમના અભિગમને બિરદાવ્યો હતો. આ જનસેવા કેન્દ્ર સરકાર અને લાભાર્થીઓને જોડતી કડી બની રહેવાની સાથે શહેર અને જિલ્લાના લોકોની સમસ્યાઓ, મુશ્કેલીઓ જાણીને, સરકારના જે તે વિભાગનો સહયોગ લઈને, તેના ઝડપી અને સંતોષકારક નિરાકરણના પ્રયાસોનું કેન્દ્ર બની રહેશે.આ કેન્દ્રમાં સાંસદનું કાર્યાલય અને યોજનાકીય લાભ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
અહીં એક મોટા પટલ પર ભારત સરકારની વિવિધ ૧૩ જેટલી મુખ્ય યોજનાઓ અન્વયે ૫૦ થી વધુ સંલગ્ન યોજનાઓના અરજીપત્રકો ઉચિત લાભાર્થીઓને આપવા, અરજીઓ ભરાવવાનું માર્ગદર્શન આપવા અને જરૂરી પુરાવાઓ તથા દસ્તાવેજોનું માર્ગદર્શન આપવા સહિતની વ્યાપક કામગીરી કરવામાં આવશે. તેના માટે એસબીઆઇનું ખાસ કાઉન્ટર રાખવામાં આવ્યું છે. ટુંકમાં, આઇટી અને ડિજિટલ સુવિધાઓ તેમજ સમર્પિત ટીમથી સુસજ્જ આ કાર્યાલયમાં સાંસદના માર્ગદર્શન હેઠળ સિંગલ વિન્ડોની પદ્ધતિથી કામગીરી કરવામાં આવશે. અહર્નિશ લોકસેવાનું કેન્દ્ર આ જગ્યા બની રહેશે. કલેકટર કચેરીના પ્રવેશદ્વારે સાંસદ ડો.હેમાંગ જોશીએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને આખા આયોજનથી તેમને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ તકતીનું અનાવરણ કરી અને રિબન છોડી લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિન્કી સોની, ધારાસભ્યઓ સર્વ મનીષાબેન વકિલ, કેયુરભાઇ રોકડીયા, ચૈતન્ય દેસાઈ, નાયબ મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિત મનપા પદાધિકારીઓ અને નગર સેવકો,પૂર્વ ધારાસભ્યો,પૂર્વ મેયરો, પદાધિકારીઓ સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin