મુખ્યમંત્રીશ્રીએ પત્ર લખી વિવેક ટાંકને પત્નીશોક બદલ દિલસોજી વ્યક્ત કરી
વડોદરામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા વિવેક ટાંકના ધર્મપત્નીનું ગત તા.૨૭.૦૪.૨૦૨૪ના રોજ કેન્સરની બિમારીથી દુઃખદ અવસાન થયું હતું.પત્નીના અવસાન બાદ શ્રી વિવેક ટાંક લૌકિક ક્રિયા પૂર્ણ કરી માત્ર ત્રીજા દિવસે પોતાની ફરજ પર હાજર થઈ ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી વિવેક ટાંકના પત્નીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.મુખ્યમંત્રીશ્રીએ પાઠવેલ શોક સંદેશ.
જીવનના સર્વે સુખદુઃખમાં સહભાગી એવી જીવન સંગિનીની પરલોકની વાટે વસમી વિદાય વજ્રઘાત સમી હોય છે. આપના પત્ની શ્રી પ્રજ્ઞાબેનનું કેન્સરની બીમારીથી થયેલ અવસાન આપ અને આપના પરિવાર માટે અત્યંત દુઃખદ છે
પરિવારની કરોડરજ્જુ સમાન વ્યક્તિ સર્વે પરિજનો માટે આધારરૂપ હોય છે. સ્વયંને ભૂલીને પરિવારના સુખ દુઃખમાં ઓતપ્રોત બની જતી સ્ત્રીની પરલોકની વાટે વિદાય સર્વે પરિવારજનો માટે વિપદામય તેમજ પીડાકારી છે. એમનાં સત્કર્મો સંભારણું બનીને હંમેશાં આપની સાથે જીવંત રહેશે.
આપના પત્નીના આત્માને ઈશ્વર ગતિ, મુક્તિ અને શાંતિ પ્રદાન કરે એ જ અભ્યર્થના...
Reporter: News Plus