રાજ્યના અમદાવાદ,વડોદરા, સૂરત જેવા મોટા શહેરોમાં મોટેભાગે મધ્યમવર્ગી પરિવારોમાં ફરીથી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને દાખલ કરવાની અવળી ગંગા ચાલુ થઈ છે.આ એક શુભ સંકેત છે. ખાનગી શાળાઓ રોજબરોજ મોંઘી ને મોંઘી થતી જાય છે.ગણવેશ,પુસ્તકો, વિવિઘ પ્રકારના કાર્યક્રમોને બહાને ફી ઉપરાંત રોજ નવી ફી કે ચાર્જ ની માંગણી થી વાલીઓ નું બજેટ બગડે છે.તેની સામે શિક્ષણ કોઈ એટલી ઉચ્ચ ગુણવત્તા વાળું હોતું નથી.સાધન સુવિધા પણ મોટાભાગની શાળાઓમાં એવરેજ હોય છે અને શિક્ષકો બહુધા કરાર આધારિત હોય છે.ખાલી મોટા નામના મોહ અને સમાજમાં સરકારી શાળાઓ પ્રત્યે સુગને લઈને બાળકોને ખાનગી શાળાઓમાં દાખલ કરવામાં આવે છે.

બીજું એક કારણ બાળકોને અંગ્રેજી માધ્યમ માં ભણાવવાની વધેલી ઘેલછા છે.ઘરમાં ભાગ્યેજ કોઈ અંગ્રેજીની abcd જાણતું હોય એને પણ બાળકોને ક ખ ગ ભણાવવામાં શરમ આવે છે.એટલે પણ ખાનગી શાળાઓની માંગ વધી.પૂર્વ રાષ્ટ્રપતિ અને વિજ્ઞાન મહર્ષિ ડો.અબ્દુલ કલામ કે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શિક્ષણનો ઇતિહાસ તપાસસો તો એ લોકો એ શરૂઆતી અને પ્રાથમિક શિક્ષણ મોટેભાગે ઘર નજીકની સરકારી શાળાઓમાં જ લીધું હશે.આવા હજારો દાખલા મળશે કે જેમણે ગામડાની કે શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અક્ષરજ્ઞાન લઈને ટોચના સ્થાને પહોંચ્યા હોય.સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે મુખ્ય ભેદ શિક્ષણના હેતુ નો છે.સરકારી તંત્ર માટે શિક્ષણ આપવું એ એક મિશન કે અભિયાન છે.જ્યારે ખાનગી શાળાઓ માટે સ્કૂલ ચલાવવી એ અંશતઃ વ્યવસાય છે.બીજો એક ખૂબ મોટો પાયાનો તફાવત એ છે કે સરકારી શાળાઓમાં શિક્ષકો ઊંચી લાયકાત અને ઊંચા મેરીટ વાળા હોય છે,કાયમી નોકરી વાળા હોય છે.સરકારી શાળાઓમાં અગાઉ પી.ટી.સી.ની મુખ્ય લાયકાતને આધારે શિક્ષક ભરતી થતી,ઉપરોક્ત પરીક્ષામાં જેઓ મોખરે રહ્યા હોય એમનું મેરીટ લીસ્ટ બનતું અને ભરતી થતી. વળી સરકારી ધારાધોરણ પ્રમાણે પૂરા પગાર અને અન્ય લાભો મળતા.એટલે શિક્ષકો માટેના શિક્ષણમાં જે તેજસ્વી હોય એ સરકારી શાળાઓમાં જોડાતા અને નિવૃત્તિ સુધી ટકતા.એટલે શિક્ષણનું સાતત્ય પણ જળવાતું.એનાથી વિપરીત ખાનગી શાળાઓમાં કામચલાઉ શિક્ષકો રાખવા,કાયમી શિક્ષકો ઓછા રાખવા,કરાર આધારે એક નક્કી વેતન આપીને શિક્ષકો રાખવા જેવી પ્રથાઓ હતી.પરિણામે તેજસ્વી શિક્ષકો સરકારી નોકરી પસંદ કરતા.પહેલા ઘણી ખાનગી શાળાઓ સો ટકા અનુદાનિત અને સામાજિક હેતુઓ વાળા ટ્રસ્ટો સંચાલિત હતી.હવે મોટેભાગે ટ્રસ્ટ બને છે પરંતુ એ પરિવાર સંચાલિત હોય છે.હવે તો શાળાઓના ખરીદ વેચાણ થાય છે.એટલે ગુણવત્તા શંકાસ્પદ બનતી જાય છે.તેમ છતાં,હજુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અનુદાનિત ખાનગી શાળાઓ દ્વારા અપાય છે.સરકારી અનુદાનને લીધે સારા શિક્ષકો મળે છે અને સરકાર સુવિધાઓ આપે છે એટલે શિક્ષણની ગુણવત્તા જળવાય છે.
ખાસ કરીને ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણની સુવિધાઓ નું મજબુતિકરણ કર્યું છે.શાળાઓની સારી ઇમારતો,વિશાળ વર્ગખંડો, પ્રયોગશાળા, પુસ્તકાલય કોમ્પ્યુટર લેબ જેવું ઘણું બધું ઉમેર્યું છે.વડોદરા જેવા શહેરોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ એ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરી છે.અગાઉ હિન્દી અને મરાઠી માધ્યમની શાળાઓ પણ હતી પરંતુ વિદ્યાર્થી સંખ્યાના અભાવે બંધ કરવી પડી છે.વિદ્યાર્થી સંખ્યાની સમસ્યા તો ગુજરાતી માધ્યમની,નામાંકીત ટ્રસ્ટ સંચાલિત શાળાઓ પણ અનુભવે છે.બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ તેના માટે જવાબદાર છે.અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ના કેટલાક લાભો અવશ્ય હશે.પરંતુ શિક્ષણની શરૂઆત માતૃભાષા થી થાય તો વિકાસની શક્યતાઓ વધી જાય છે.સરકારી શાળાઓ મોટેભાગે ઘરની નજીક હોવાથી સ્કૂલ વાન જેવા ખર્ચાઓ કરવા પડતા નથી.હવે તો સરકારી શાળાઓમાં સરસ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમત ગમત પર ધ્યાન આપવામાં આવે છે.એટલે પોસાય ના તેટલા રૂપિયા ખર્ચીને અન્ય શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવતા પહેલા એક નજર નજીકની સરકારી શાળા પર નાખી લેવાની જરૂર છે.હા,જેને પોસાય તેવો અવશ્ય ખાનગી શાળાઓમાં બાળકોને દાખલ કરે,પરંતુ દેખાદેખી થી, ઘરનું બજેટ બગાડીને સરકારી શાળાઓની અવગણના કરવી ઠીક નથી.સરકાર સસ્તામાં સારું શિક્ષણ આપતી હોય તો સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવા શરમ છોડીને પ્રવેશ અપાવો,ઘરનું બજેટ સચવાશે અને મોકળા દિલે બાળકોને ભણાવી શકાશે.જેઓ પહોંચી વળે તેમ છે,તે ગમે તે કરે,એમની પાછળ દેખાદેખી થી દોટ મૂકવાથી વસવસો જ હાથ લાગશે..
Reporter: News Plus







