ભાંગનાં ભજીયા આંકલાવ પાસે ક્યાં મળે છે તેની ખાનગી તપાસ, કેટલાક ટીખળખોર કાર્યકર્તાઓ પણ કરતા હતા..
વડોદરા શહેરની લિમિટ છોડીને બીજા જિલ્લામાં જઈ એક મહિલા સાથે પિકનિક મનાવવા અને ભજીયા ખાવા ગયેલ ચેરમેનની સામે શહેર પ્રમુખ અને મ્યુનિસિપલ કમિશનર કોઈ પગલા લેશે ? કાયમનો પરિપત્ર બહાર પડાશે ?..

વડોદરા કોર્પોરેશનના સ્થાયીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી એક મહિલા સાથે રવિવારનો આનંદ મેળવવા અને ભજીયા ઝાપટવા કોર્પોરેશનના ડિઝલના ખર્ચે અને કોર્પોરેશનના જોખમે કોર્પોરેશનની ગાડી લઇને આંકલાવ બાજુ પહોંચી ગયા હતા. આરામથી ભજીયા ઝાપટ્યા હતા. વાસ્તવમાં નિયમો મુજબ કોઇ પણ પદાધિકારીને શહેરની બહાર કોર્પોરેશનની ગાડી લઇને જવું હોય તો સભા સેક્રેટરીના માધ્યમથી મ્યુનિ.કમિશનરની મંજૂરી મેળવવી પડે. કમિશનરની મંજૂરી મળે તો પછી તે કોર્પોરેશનની ગાડીને તેઓ લઇ જઇ શકે છે. જો મંજૂરી મળે તો જે તે પદાધિકારીએ કિલોમીટર પ્રમાણે પૈસા ચુકવવા પડે. હવે ચેરમેન આંકલાવ ખાતે ભજીયા ખાવા ગયા તો તેઓ કિલોમીટર મુજબ કોર્પોરેશનને રકમ ચુકવશે કે કેમ તે મોટો સવાલ છે. ચેરમેન આર્થિક રીતે સક્ષમ છે એટલે માની લઇએ કે તે કોર્પોરેશનને રકમ ચુકવીને પ્રજા સમક્ષ મોટુ ઉદાહરણ રજૂ કરશે અને લોકોમાં પણ તેમની વાહવાહી થશે કે એવા ચેરમેન હતા જેમણે ભજીયા ખાવા માટે કોર્પોરેશનને ગાડીભાડુ ચુકવ્યું હતું. જેમના માથે વડોદરામાં પૂર ના આવે તે જોવાની અત્યારે ખાસ જવાબદારી છે. ચેરમેને રવિવારે ભજીયા ખાવાનો ખાસ પ્લાન કર્યો અને પોતાની કોર્પોરેશનની ચેરમેન લખેલી ગાડી લઇને,પાલિકાનો ડ્રાઇવર લઈને એક મહિલા સાથે નિકળી પડ્યા, આંકલાવ ભજીયા ખાવા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે અને જોખમે, વડોદરાની પ્રજાના ખર્ચે અને જોખમે, ચેરમેન સેર-સપાટા મારવા કોઈ મહિલા સાથે વડોદરા જિલ્લા છોડીને આંકલાવથી આણંદ જવાના રસ્તા ઉપર ભજીયા ઝાપટવા ગયા હોય તેવો આ પહેલો કિસ્સો છે. આવા ભજીયા શોખીન ચેરમેન કે જે છેક આંકલાવ ભજીયા ખાવા લાંબા થયા. તે જોતાં પાલિકા ક્યારેય પણ નફો નહીં કરી શકે. આવા ભ્રષ્ટ હોદ્દેદારો અને ભ્રષ્ટ અધિકારીઓને કારણે પાલિકા કાયમ માટે ખોટમાં જ હોય છે,આનું કારણ જ આ છે. રાજ્ય સરકાર પાસે હંમેશા પાલિકાએ ભિક્ષા માંગવી પડે છે.આવા નેતાઓને કારણે પાલિકા સ્વાવલંબી ક્યારેય પણ થઈ શકે નહીં. ગાડી પાલિકાની,ડીઝલ પાલિકાનું, અને ડ્રાઇવર પણ પાલિકાનો તો કોની મંજુરી સાથે જીલ્લા બહાર પાલિકાની ગાડી લઈને ગયા હતા ? કયા પ્રોજેક્ટનો સર્વે કરવાનો હતો ? કયા કોન્ટ્રાક્ટરની સાથે ખાનગી મિટીંગ હતી ?તે તપાસનો વિષય છે. ચેરમેન સહિતના તમામ પદાધીકારીઓ વડોદરા શહેરની બહાર પોતાની સરકારી ગાડી લઇને ના જઇ શકે અને જો મંજૂરી પણ મળી હોય તો કિલોમીટર મુજબ રકમ ભરી દેવા પડે.ચેરમેન સહિતનાં પદાધીકારીઓને જો ગાંધીનગર મિટીંગમાં બોલાવાયા હોય તો જ તેઓ કોર્પોરેશનની ગાડી લઇ જઇ શકે છે. સ્થાયી ચેરમેન ખરેખર ભજીયા ખાવા જ ગયા હતા કે પછી કોઇ કોન્ટ્રાક્ટર સાથે મિટીંગ કરવા ગયા હતા તે તો હવે મ્યુનિ.કમિશનર તપાસ કરે તો જ ખબર પડે. પાલીકાનાં ડ્રાઇવરની પણ આ બાબતમાં પૂછપરછ થવી જોઈએ. તો જ સત્ય બહાર આવશે. આ અગાઉ વડોદરા શહેર જિલ્લો છોડીને કેટલી વખત પાલિકાના ગાડીનો ઉપયોગ કર્યો તે પણ ચેરમેને સામેથી જાહેર કરવું જોઈએ એ જો નહીં કરે તો અમે ગુપ્ત રહે તપાસ કરી સમાચાર વહેતા કરીશું. શહેર બહાર ગયેલી ગાડીનો જો અકસ્માત થાય તો અંદર બેસેલા પેસેન્જર, ડ્રાઇવરની જવાબદારી પાલિકા ભોગવે? અન્ય વાહન સાથે ટકરામણમાં કોઈનું મૃત્યુ થાય તો એ જવાબદારી કોની થાય? પાલિકાએ ખર્ચ ભોગવવાનો? ત્રાહિત વ્યક્તિનો કોઈ ક્લેમ આવે તો એની જવાબદારી કોની? પાલિકાની કે ચેરમેનની ?એમની સાથેની મહિલાને કંઈ થઈ જાય તો તેની જવાબદારી કોની? પાલિકાની કે ચેરમેનની?

કોઇ પદાધિકારીએ કોર્પોરેશનને રકમ ચુકવી હોય તેવું સાંભળ્યું નથી....
પાલિકાના વ્હિકલપુલના એક અધિકારીએ નામ ના જાહેર કરવાની શરતે જણાવ્યું કે તેમની નોકરી દરમિયાન આ રીતે કોઇ પદાધિકારી ગાડી લઇને શહેરની બહાર ગયા હોય તો કોર્પોરેશનને પૈસા ચુકવ્યા હોય તેવું જોયુ નથી. નિયમ મુજબ તો પદાધિકારીઓએ કોર્પોરેશનની ગાડી લઇને શહેરની બહાર જવું હોય તો સભા સેક્રેટરીના માધ્યમથી મ્યુનિ.કમિશનરની મંજૂરી મેળવવાની રહે છે. જો મંજૂરી મળે તો પછી પદાધિકારીએ કિલોમીટર મુજબ કોર્પોરેશનને રકમ ચુકવવાની હોય છે. પદાધિકારીઓ માત્ર ગાંધીનગર સુધી કોર્પોરેશનની ગાડી લઇ જઇ શકે છે .
ચેરમેનને બચાવવા અધિકારીઓ ચેરમેનને બચાવા ખો આપી રહ્યા છે.
ચેરમેનને કિલોમીટર દીઠ રકમ ચુકવવી ના પડે અને પોતે કોઇ વિવાદમાં ના આવે તે માટે હવે કોર્પોરેશનના અધિકારીઓ મીડિયા સામે આ અંગે બેખૌફ બોલવાનું ટાળી રહ્યા છે અને એક બીજાને ખો આપી રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓએ ગભરાયા વગર કહેવું જોઇએ કે ચેરમેને સત્તાનો દુરપયોગ કર્યો છે અને પાલિકાનું એટલે કે વડોદરાવાસીઓનું ડિઝલ વાપરી ભજીયા ખાવા ગયા હતા એટલે તેમણે વડોદરા પાલિકાની તિજોરીમાં આ રકમ ચુકવી દેવી જોઇએ પણ તમામને ખબર છે તેમ આ પદાધિકારીઓ પછી અધિકારીઓની વલે કરી નાખે..એટલે અધિકારીઓ આ મામલે મૌન સેવીને એક બીજાને ખો આપી રહ્યા છે. હકીકત તો એ છે કે શહેર પ્રમુખ અથવા પ્રદેશ પ્રમુખે ચેરમેનની સામે વિધિવત શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ જેથી પાલિકામાં દાખલો બેસે.
Reporter: admin







