વડોદરા :'રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ૧૫ મહાનગરપાલિકાઓ,૮૪ નગર પાલિકાઓ, ૩૪ જીલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૧૧ નગરપાલિકાઓ પ્રસંગોપાત ખાલી પડેલ ૧૩ બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરેલ છે.
જાહેર થયેલ કાર્યક્રમના કારણે ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા તથા તેમના કાર્યકરો દ્વારા ચુંટણીલક્ષી પ્રચાર માટે તીવ્ર સ્પર્ધા થતી હોય છે જેમાં જાહેર સુલેહશાંતિનો તથા કોમી એખલાસ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશ્નર, વડોદરા શહેર નરસિમ્હા કોમાર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જાહેર સુલેહશાંતિનો તથા કોમી એખલાસ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેટલાક પ્રતિબંધ જાહેર કરાયા છે.જાહેરનામા અનુસાર, શસ્ત્રો, તલવાર, ભાલા, બંદુક, છરા, ચપ્પુ, ખંજર, લાકડી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈ પણ યંત્ર, શસ્ત્ર કે સાધન સાથે લઈ જવું નહિ.
કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવું નહિ. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે નાંખવાનાં યંત્રો, શસ્ત્રો અથવા સાધન સાથે લઈ જવું નહિ. મનુષ્યો અથવા આકૃતિઓ અથવા પુતળાં દેખડવા નહિ. જેનાથી સુરૂચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ, તેવા હાવભાવ કે ચેષ્ટા કરવી નહિ, ચિત્રો, પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા નહિ અથવા તેનો ફેલાવો કરવો નહિ. કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ. લોકોને અપમાનિત કરવાના ઈરાદે જાહેરમાં બુમો પાડવી નહિ, ગીતો ગાવા નહીં કે વાદ્ય વગાડવું નહિ.
Reporter: admin







