વડોદરાઃ દેશના અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ તા.૧૫ ફેબ્રુઆરી, શનિવારથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સ્કૂલોમાં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે.

વડોદરામાં ૧૦ કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ના ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.વડોદરા શહેર અને જિલ્લામાં કુલ ૫૩ સીબીએસઈ સ્કૂલો આવેલી છે.મળતી વિગતો પ્રમાણે પહેલી વખત તમામ પરીક્ષા કેન્દ્રોના બ્લોકમાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ સીબીએસઈની બોર્ડ પરીક્ષા લેવામાં આવનાર છે.સેન્ટ્રલ બોર્ડ દ્વારા લાગુ કરાયેલા નિયમ બાદ વડોદરાના તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા હોય તે બાબતને સુનિશ્ચિત કરવામાં આવી છે.તેની સાથે સાથે દરેક વર્ગમાં બે સુપરવાઈઝર મોનિટરિંગ કરશે.

ઉપરાંત ૧૦ વર્ગ દીઠ સીસીટીવી કેમેરાને મોનિટર કરવા માટે ૧ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે.ગુજરાત બોર્ડની પરીક્ષાની જેમ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાના ફૂટેજની સીડી પણ બનાવીને રાખવામાં આવશે અને જો સેન્ટ્રલ બોર્ડ માગે તો પરીક્ષા કેન્દ્રો દ્વારા આ સીડી પૂરી પાડવામાં આવશે.સૂત્રોએ કહ્યું હતું કે, પરીક્ષાનો પ્રારંભ સવારે ૧૦-૩૦ વાગ્યાથી થશે અને વિદ્યાર્થીઓને મોડામાં મોડી ૧૦ વાગ્યા સુધીમાં સ્કૂલમાં એન્ટ્રી લેવાની રહેશે. પરીક્ષાને ધ્યાનમાં રાખીને સુપરવિઝન કરનારા ૩૦૦ જેટલા શિક્ષકોને ઓનલાઈન ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.ધો.૧૦ની પરીક્ષા ૧૮ માર્ચ સુધી અને ધો.૧૨ની પરીક્ષા ૪ એપ્રિલ સુધી ચાલશે.






Reporter: admin