News Portal...

Breaking News :

વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના પૂરની આપદાથી કાયમી મુક્તિ અપાવવા વહન ક્ષમતા બમણી કરાઇ રહી છે - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

2025-05-02 17:28:11
વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના પૂરની આપદાથી કાયમી મુક્તિ અપાવવા વહન ક્ષમતા બમણી કરાઇ રહી છે - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


વડોદરામાં મહાનગરપાલિકાના રૂ. ૧૧૫૬ કરોડના વિવિધ જનસુખાકારી અને જનસુવિધાના ૮૬ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા મુખ્યમંત્રી 
૦ સી – ૨૯૫ એરક્રાફ્ટ ઉત્પાદન વડોદરાને વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ નકશા ઉપર અંકિત કરે છે 
૦ કરોડો રૂપિયાના વિકાસ કામોનો લાભ નગરજનોને મળતા જનવિશ્વાસ સંપાદિત થયો છે 



ગુજરાતે ૨૦૪૭ સુધીનો વિકસિત ગુજરાત રોડ મેપ અર્ન વેલ, લિવ વેલના બે મુખ્ય પાયા ઉપર તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મહાનગરપાલિકાના રૂ. ૧૧૫૬ કરોડના વિવિધ જનસુખાકારી અને જનસુવિધાના ૮૬ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા જણાવ્યું કે, વડોદરા ઝડપથી વિકસતું શહેર છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પૂરથી શહેરીજનોને કાયમી મુક્તિ અપાવવા માટે શરૂ કરવામાં આવેલા અભિયાન હેઠળ નદીની વહન ક્ષમતા બમણી કરવામાં આવી રહી છે. વડોદરા વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે,દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વે, અમદાવાદ મુંબઇ બૂલેટ ટ્રેઇન પણ વડોદરામાંથી પસાર થવાની છે.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સ્પેનની ભાગીદારીથી અહીં સી – ૨૯૫ એરક્રાફ્ટ ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવ્યું છે. જે વડોદરાને વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ નકશા ઉપર અંકિત કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, ભૂતકાળમાં એક વોર્ડમાં રૂ.એક લાખનું કામ કરાવવું હોય તો બહુ મુશ્કેલી પડતી હતી. પરંતુ, આજે આ સમસ્યામાંથી બહાર નીકળી કરોડો રૂપિયાના વિકાસ કામો થઇ રહ્યા છે. જેથી જનવિશ્વાસ સંપાદિત થયો છે. તેમણે કહ્યું કે, ગુજરાતે ૨૦૪૭ સુધીનો વિકસિત ગુજરાત રોડ મેપ અર્ન વેલ, લિવ વેલના બે મુખ્ય પાયા ઉપર તૈયાર કર્યો છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાના અભિયાનમાં આપણે સૌએ પોતાનું યોગદાન આપવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરકારી યોજનાઓના કેન્દ્ર સ્થાને નાનામાં નાની વ્યક્તિને રાખી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં આઠ લાખથી વધુ આવાસોનું નિર્માણ કરી ગરીબ પરિવારને અર્પણ કરવામાં આવ્યા છે, તેવી વિગતો પણ મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યની સ્થાપનાના ૭૫ વર્ષ એટલે કે હિરક જયંતી વર્ષ મહોત્સવ તરફ આગળ વધી રહ્યું છે. 



જે સંદર્ભમાં વર્ષ ૨૦૨૫થી ૨૦૩૫ના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હિરક જયંતી મહોત્સવ તરીકે ઉજવવાનો રોડ મેપ તૈયાર કર્યો છે. વર્ષ ૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દિ ઉજવવીએ ત્યાં સુધીના કર્તવ્યકાળમાં ગુજરાતને અગ્રેસર બનાવવાનું છે.મુખ્યમંત્રીએ વિકસિત ભારત – ૨૦૪૭ વડાપ્રધાનના નિર્ધારને સાકાર કરવા નવ સંકલ્પોને દોહરાવતા જણાવ્યું કે, વિકસિત ભારત માટે વિકસતિ ગુજરાત બનાવવા આ સંકલ્પોને પાર પાડવાનો નિર્ધાર લેવા આહ્વાન કર્યું હતું.વિકાસ કેવો હોય ? વિકાસ કેટલા સ્કેલનો હોય ?  વિકાસની સ્પીડ કેવી હોય ?  એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવી વિકાસની રાજનીતિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આજે દેશ અને દુનિયામાં ભારતની ચર્ચા અને મહત્તા છે. તેમ પટેલે જણાવ્યું હતું. વિધાનસભાના મુખ્યદંડક બાળકૃષ્ણ શુક્લએ સૌને ‘ગુજરાત ગૌરવ દિવસ’ની શુભકામનાઓ પાઠવી વડોદરાવાસીઓને નવા વિકાસકાર્યોની ભેટ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ વર્ષના ઐતિહાસિક બજેટમાં વડોદરા માટે કરવામાં આવેલી જોગવાઈઓનો ઉલ્લેખ કરીને વડોદરાના વિકાસની તલસ્પર્શી વાત કરી હતી. વડોદરાને આગામી સમયમાં મળનારા અર્બન હાટ બજાર, કન્વેન્શન સેન્ટર, વર્કિંગ વિમેન હોસ્ટેલ, મેગા ફૂડ પાર્ક સહિતના પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને ગૌરવની લાગણી અનુભવી હતી. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર બાદ મુખ્યમંત્રીશ્રીએ આપેલા વચન અનુસાર પૂર નિયંત્રણ સમિતિ અને વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ અંગે આભાર અને સંતોષ વ્યક્ત કરીને શુક્લએ અગ્રેસર ગુજરાત માટે અગ્રેસર વડોદરાની વાત કરી હતી. જનવિકાસને વેગ મળી રહ્યો છે, તેમ ઉમેરીને તેમણે વડોદરા સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યું હોવાનું ઉમેર્યું હતું. મેયર પિન્કીબેન સોનીએ ગુજરાતને વિકાસનો પર્યાય ગણાવી વડોદરા શહેરની આંતર માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તેવા વિકાસકાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રૂ. ૧,૧૫૬ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થકી વડોદરાના વૈભવમાં નવો અધ્યાય ઉમેરાયો છે. નવા પ્રકલ્પો થકી વડોદરાના સર્વાંગી વિકાસની ગતિને ચોક્કસથી વેગ મળશે. સુવિધાયુક્ત વડોદરાથી વિકસિત વડોદરા અને વિકસિત વડોદરાથી વિકસિત ગુજરાતની નેમ સાકાર થશે. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત પ્રવચન કરી લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનારા વિકાસકાર્યોની વિગતો આપી હતી. વડોદરાવાસીઓને સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવા માટે પ્રયત્નશીલ રહીશું, તેવો વિશ્વાસ અપાવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ આભારવિધિ કરી હતી. વિકસિત વડોદરા માટેના આ સાર્થક કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, મનીષાબેન વકીલ, અગ્રણી જયપ્રકાશ સોની, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હિરપરા, નગરસેવકો, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. 


Reporter:

Related Post