વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ-ત્રણ સંવર્ગની 552 જગ્યા માટે અગાઉ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી ઉમેદવારોની પસંદગી થયા બાદ વેઇટિંગ લિસ્ટ મુજબ બાકી રહેલા 80 જેટલા ઉમેદવારોને હજી સુધી નિમણૂક પત્ર અપાયા નથી.
આવા બાકી રહેલા ઉમેદવારોએ આજે કોર્પોરેશન ખાતે આવીને ફરીવાર માગણી સાથે દેખાવો કર્યા હતા અને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2023 ઓક્ટોબર માસમાં પરીક્ષા લીધી હતી, અને એ પછી પાસ થયેલા ઉમેદવારોને નિમણૂકો આપવામાં આવ્યા હતા. જેમાં છેલ્લે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, અને 80 જેટલી જગ્યા માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિમણૂક પત્ર આપી દેવા સરકારમાંથી સૂચના આપવામાં આવી હતી, એ પછી અનેક રજૂઆત કરવા છતાં હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી.
ઉમેદવારોએ કહ્યું હતું કે અમે ગઈ 17મી માર્ચે રજૂઆત કરવા આવ્યા હતા, ત્યારે અમને પંદર દિવસની બાંયધરી આપવામાં આવી હતી, એ વાતને આજે 20 દિવસ થયા છે. અમે જ્યારે તે સમયે પૂછ્યું ત્યારે વહીવટી પ્રક્રિયાનું બહાનું કાઢવામાં આવ્યું હતું. હવે જો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો ફરી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા જવું પડશે તેમ જણાવ્યું હતું.
Reporter: admin