માંજલપુરનાં સિનીયર ધારાસભ્ય મોડે મોડે કેમ જાગ્યા?...
વડોદરા શહેરના 31 સ્મશાનોના ખાનગીકરણ સામે સમગ્ર શહેરમાં ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે અને લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્ય યોગેશ પટેલે કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે શહેરના 31 સ્મશાનોમાં કામગીરી આઉસોર્સિંગથી કરાવવા માટે વિવિધ સંસ્થાઓને કામગીરી સોંપાઇ છે અને હાલ તેનો અમલ પણ શરુ થઇ ગયો છે. આ અમલ શરુ થતાં જ વિવાદ ઉભો થયો છે અને 7500 રુપિયાનો ખર્ચ નાગરીકો પાસેથી વસુલવામાં આવશે તેવી વાત વહેતી થઇ અને વાસ્તવમાં આ ખર્ચ પાલિકા ભોગવવાની છે પણ પાલિકા લોકો સમક્ષ આ વાત યોગ્ય રીતે પહોંચાડી શકી નથી. શહેરની કેટલીક સંસ્થાઓ ખાસવાડી, વડીવાડી, રામનાથ, માંજલપુર, નિઝામપુરા અને છાણીમાં આવેલા સ્મશાનોનો સારી રીતે વહિવટ કરતી હતી તે સ્મશાનોમાં પણ ઇજારદાર દ્વારા કામ કરાશે અને તેનો ખર્ચ પાલિકા ભોગવશે છતાં લોકોના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે જ્યારે આ સંસ્થાઓ વિના મુલ્યે સ્મશાનની તમામ સુવિધા આપતી હોય તો આ સંસ્થાઓ પાસેથી સ્મશાન ચલાવવાનો વહિવટ કેમ લઇ લેવો આ બાબતે લોકોમાં વેદના છે જેથી ભાજપની છબીને મોટુ નુકશાન થઇ રહ્યું છે.

સામાન્ય સભામાં વિપક્ષ સાથે શાસક પક્ષના સભ્યોએ પણ રજૂઆત કરી અને તેમાં પણ વિચાર કરીને બદલાવ કરવા કહ્યું છે. હાલ જે સંસ્થાઓ વહિવટ ચલાવે છે તે સંસ્થાઓ સાથે મિટીંગો કરીને તેમને તેમનું કાર્ય ના કરવા દેવું જોઇએ અને વડોદરા મહાનગરપાલિકાએ તો સંસ્થાઓ જે કામ ના કરી શકે તેવો મધ્યમવર્ગીય ઉપાય વિચારવો જોઇએ. પલિકાએ આઉટસોર્સિંગથી આપેલા ઇજારદારને એક અંતિમ વિધીના સામાન માટે 1500 ચુકવવાનીનું નક્કી કર્યું છે. આ ખર્ચ પાલિકાએ કરવાની જરુર નથી તેમણે માંગ કરી હતી કે સ્મશાનોના આઉટસોર્સિંગ બાબતનો જે ઠરાવ થયો તે બાબતની પણ વિચારણા કરીને આ ઠરાવનો અમલ ના કરી રદ કરવાની કાર્યવાહી કરવી જોઇએ.માંજલપુરનાં સિનીયર ધારાસભ્ય મોડે મોડે કેમ જાગ્યા? બીજી બાજુ સયાજીગંજનાં ધારાસભ્ય પાલિકાનાં નિર્ણયથી ખુશ છે. સંકલનનો પણ અભાવ છે. વડોદરાની જનતાએ આ ધારાસભ્યોને ઓળખી લીધા છે. શહેર પ્રમુખ મૌની બાબા છે. કેટલાક કોર્પોરેટરોને પણ પેટમાં દુખ્યું છે.દરખાસ્તો આવી,વહીવટ થઈ ગયો. મંજૂર થઈ ગઈ, વર્કઓર્ડર અપાઈ ગયા. કામગીરી ચાલુ થઈ ગઈ.

જલારામ ટ્રસ્ટે જાહેર નોટિસ આપીને છુટ્ટા થયાની જાહેરાત પણ કરી દીધી. ત્યારે હાલના કોન્ટ્રાક્ટરો ઉપર યેનકેન દબાણ કરવાનો કોઈ પ્રયત્ન તો નથી ? 10.30 કરોડ રૂપિયા ચાર કોન્ટ્રાક્ટરોને વહેંચાઈ જવાના તે નેતાઓ પચાવી શકતા નથી. કોન્ટ્રાક્ટરો કમાઈ જવાના અમે રહી જવાના. હમણાં જો કમિશનર, ચાર ધારાસભ્યોને કે કોઈ નેતાને કોન્ટ્રાક્ટ આપી દે તો બધા ખુશ. ધારાસભ્યને જો વાંધો હોય તો તમામ સ્મશાનો નેતાઓએ/કોર્પોરેટરોએ દત્તક લઈ લેવા જોઈએ. ધારાસભ્યો ઉપર જતા પહેલા આવા સેવાનાં કામ કરે તો કંઈ ખોટું નથી. લોકો વધાવશે.શાસક પક્ષે અને પાલિકાએ જલારામ ટ્રસ્ટ પાસેથી જવાબદારી પરત લેતા પહેલા તેઓના ટ્રસ્ટીઓ- સંચાલકોનું જાહેરમાં સન્માન કરવાનું હતું. આટલા વર્ષ તેઓએ વડોદરા વાસીઓની અલગ પ્રકારની સેવા કરી. આજે પણ ચોથી- પાંચમી પેઢી પણ એમને યાદ કરે છે. આરોગ્ય અધિકારી અને ચેરમેનની ભાષા તો શરૂઆતમાં એવી હતી કે જાણે જલારામ ટ્રસ્ટને એ લોકોએ તગડી મૂક્યા હોય,બહુ બહાદુરીનું કામ કર્યું હોય. હો બાળો મચ્યો પછી તેઓ થોડા શાંત થયા. એમણે શું ખોટું કર્યું છે તે તો એ લોકો પોતે જ જાણે છે. આજ સ્મશાનોમાં એમનો પણ હિસાબ થવાનો છે. પાપ-પુણ્યની ગઠરી, તેઓ પણ આ સ્મશાનમાં જ બાંધીને જવાના છે. કર્મ કોઈને છોડતું નથી.
Reporter: admin







