વડોદરા: લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના પાસની ડિલીવરીનું સરનામું ખોટું હોવાનું કહી ભેજાબાજે નવું સરનામું અપડેટ કરવા લીંક મોકલાવી રૂ. 5 ટ્રાન્સફર કરાવ્યા બાદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કરી રૂ. 1 લાખ ઉપાડી લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ ઇચ્છાપોર પોલીસમાં નોંધાઇ છે.
હજીરા રોડના કવાસ ગામ સ્થિત ક્રિભકો ટાઉનશીપમાં માતા-પિતા સાથે રહેતી મૈત્રી નરેન્દ્ર મોહનલાલ નાઇક (ઉ.વ. 23 મૂળ રહે. શ્રીધર સોસાયટી, જીઇબી ઓફિસ પાસે, અંકલેશ્વર, ભરૂચ) વડોદરાની લીન્ડે એન્જિનિયરિંગ ઇન્ડિયા પ્રા. લિ. કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. શનિવાર અને રવિવારની રજામાં માતા-પિતા સાથે રહેવા આવતી મૈત્રી વડોદરાના ન્યુ પ્રિયા સિનેમા નજીક આનંદવન રેસીડન્સીમાં ભાડેથી રહે છે. ગત 14 સપ્ટેમ્બરના રોજ મૈત્રીએ બુક માય શો એપ્લિકેશન મારફતે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજના ગરબાનો ઓનલાઇન એક પાસ રૂ. 1452 માં વડોદરાના ન્યુ નીલામ્બર સર્કલ નજીક લીન્ડે હાઉસ ખાતેની પોતાની ઓફિસના સરનામે બુક કરાવ્યો હતો.
દરમિયાનમાં 30 સપ્ટેમ્બરના રોજ સરનામું ખોટું હોવાથી પાસની ડિલીવરી થઇ શકશે નહીં એવો મેસેજ આવ્યો હતો. મૈત્રીએ ગુગલ ઉપરથી બ્લ્યુ ડાર્ટ કુરીયર સર્વિસનો ઓનલાઇન નંબર ચેક કરી કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે પોતાનું નામ સંજીવ હોવાનું જણાવી નવું સરનામું અપડેટ કરાવવા ચાર્જીસ પેટે રૂ. 5 ભરવા પડશે એમ કહી એક લીંક મોકલાવી હતી. મૈત્રીએ લીંક ઓપન કરી પેમેન્ટ કર્યુ હતું અને કસ્ટમર સ્પોર્ટ સાઇન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં નવું સરનામું અપડેટ કરવાનું કહી મોબાઇલ હેક કરી બેંક એકાઉન્ટમાંથી રોકડા રૂ.1 લાખ ઉપાડી લીધા હતા.
Reporter: admin