આખા દિવસની અકળાવનારી ગરમીના અંતે સમી સાંજે મોસમનો મિજાજ બદલાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ધૂળની ડમરીઓ સાથે તોફાની પવનો ફૂંકાતા કુબેર ભવન,નર્મદા ભવન,સયાજીગંજ સહિત ઠેર ઠેર આખા ઝાડ પડવાના કે ડાળી ડાળખાં તૂટવાના અને પતરા ઉડવાના બનાવો બન્યા હતા.
હોડીગ્સ,વીજળી ના તાર અને થાંભલાઓ ને નુકશાન ના પગલે વીજ પુરવઠો ઘણાં વિસ્તારોમાં ખોરવાયો હતો.
સૂસવાટા મારતા પવનોના ભયજનક ઘોંઘાટ થી લોકોના જીવ તાળવે ચોંટયા હતા.નબળા મકાનોમાં રહેતા લોકો બીક થી ધ્રુજી ઉઠ્યા હતા.
સાંજે ઓફિસ છૂટવાના સમયે જ મોસમનો મિજાજ પલટાતા રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને વાહન ચાલકો ને આશ્રય સ્થાનો શોધવા પડ્યા હતા.
ધૂળની ડમરીઓ થી ઘરોમાં ધૂળની પરતો છવાઈ જતા ગૃહિણીઓ ને માથે ઘર સફાઈ ની આફત ત્રાટકી હતી.
આ લખાય છે ત્યારે પરિવાર ચાર રસ્તા - મહેશ કોમ્પલેક્ષ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
ધીમી ધારે વરસાદ પડવાનો શરૂ થતા વાવાઝોડા અને વરસાદ થી માલ સામાન ને સુરક્ષિત રાખવા લારી ગલ્લા અને પથારા વાળાઓ ના નાકે દમ આવ્યો હતો.
પવનના પગલે વરસાદ ત્રાટકવા છતાં હજુ વાતાવરણ નો ઉકળાટ શમ્યો નથી.આ વર્ષના ઉનાળાનું આ પહેલું માવઠું શહેરના માથે આફત બનીને ત્રાટક્યું છે.
જો કે સોલાર પેનલો તેના પગલે વગર મહેનતે ધોવાઈ ગઈ છે.
Reporter: News Plus