કંપનીમાં રોકાણ કરાવી 70 ટકા નફો આપવાની લાલચ આપી રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી કરનાર દંપતી બંટી-બબલીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે.
આ દંપતીએ માત્ર અમદાવાદ નહીં પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોમાં અનેક લોકો પાસે રોકાણ કરાવ્યું હતું અને કરોડોની રકમ મેળવી રોકાણકારોને પરત ન આપી ઠગાઈ આચરી હતી. જે મામલે મુંબઈમાંથી ટ્રાન્સફર વોરંટ થકી પતિ-પત્નીની ધરપકડ કરાઈ છે.અમદાવાદનાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગત 16 મેના રોજ એક ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં જગતપુર રોડની ગણેશ જિનેસિસમાં રહેતા નિવૃત સરકારી કર્મચારી શોભનાબેન મહેતા સાથે 25 લાખની ઠગાઈનો ગુનો નોંધાયો હતો. ફરિયાદી નિવૃત થયા હોય તેઓને મોટી રકમ મળી હતી. તે સમયે તેઓને મિત્ર સર્કલ તરફથી જાણ થઈ હતી કે DIFM નામની એપ્લિકેશનમાં રોકાણ કરવાથી સારૂં વળતર મળે છે,
જેથી તેઓએ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યાર બાદ બ્લીઝ કન્સ્લટન્ટ કંપનીથી મેસેજ આવ્યો હતો. આશિષ મહેતા અને શિવાંગીની મહેતા દ્વારા તેઓને મેઈલમાં રોકાણ માટેની શરતો મોકલી હતી. રોકાણમાં 70 ટકા રોકાણકાર અને 30 ટકા કંપનીને નફો મળશે તેવી બાબતો જણાતા શોભનાબેન મહેતાએ 25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે બાદ તેઓને પૈસાની જરૂર પડતા તેઓએ ઉપાડવાનો પ્રયાસ કરતા પૈસા ઉપડ્યા ન હતા. ઉપરાંત, આ બન્ને આરોપીઓનાં ફોન પણ બંધ થઈ જતા તેઓને આ કંપની ઊઠી ગઈ હોવાની જાણ થઈ હતી.
Reporter: News Plus