પાવીજેતપુર તાલુકાના બાર ગામથી કુંડલ તથા સટૂન જતો રસ્તો સાવ ખખડધજ થઈ જતા ૧૦થી વધુ ગામોની જનતાને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે.
વર્તમાન સરકારે ઠેક ઠેકાણે રસ્તા બનાવી દીધા છે. ત્યારે પાવીજેતપુર તાલુકાના બાર થી કુંડલ જતા રસ્તા ઉપર રીપેરીંગ સુધ્ધા કરાવવામાં ન આવતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે. પાવીજેતપુર તાલુકાના બાર ગામની નજીક આવેલ નદી કિનારાની સામેની બાજુના ગામડાઓનો સીધો સંપર્ક ચોમાસામાં તૂટી જતો હતો. લોકોને નાવડીમાં બેસીને પેલે પારથી આ પાર આવવું પડતું હતું અથવા ભીખાપુરા થઈ ૧૫ થી ૨૦ કિલોમીટરનો ફેરો ફરી બાર ગામ સુધી આવી શકાતું હતું ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માજી ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી બાર થી સટૂન વચ્ચે પુલ તથા નવીન રસ્તો મંજૂર કરાવી બનાવવામાં આવ્યો હતો જેનાથી સામે બાજુના ગામડાઓ એવા કુંડલ, શટૂન, આંબાખુટ,મોતીપુરા, વસનગઢ, ચેથાપૂરા વગેરે ૧૦ જેટલા ગામડાઓ માટે આ રસ્તો ખૂબ જ આશીર્વાદ સાબિત થતો હતો. પરંતુ આ રસ્તો હાલ ખૂબ જ ખખડધજ થઈ ગયો હોય જેના કારણે વાહનોમાં મેન્ટેનન્સ પણ વધી ગયું છે તેમજ આ ખખડધજ રસ્તા ના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
ચોમાસુ આવવાની તૈયારી છે, વરસાદ પડશે ત્યારે આ રસ્તો આ વિસ્તારની જનતા માટે નરકાગાર સમાન થઈ જશે તો ચોમાસા આવતા પહેલે નવીન રસ્તો ન બનાવી શકાય તો, કમ સે કમ આ રસ્તા ઉપર થીંગડા મારી રીપેરીંગ કામ તાત્કાલિક કરવામાં આવે તેવી આ વિસ્તારની જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે.આમ, પાવીજેતપુર તાલુકાના બાર થી કુંડલ નો રસ્તો ખૂબ ખખડધજ થઈ જતા આ વિસ્તારમાં ૧૦ થી વધુ ગામોની જનતા ત્રાહીમામ પોકારી રહી છે ત્યારે તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે વિચારી ઘટતું કરે તે ખૂબ જરૂરી થઈ જવા પામ્યું છે.
Reporter: News Plus