ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં સ્કૂલની ગંભીર બેદરકારી
અમદાવાદ : સેન્વથ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના 10 દિવસ થવા આવ્યા ત્યારે હજુ સુધી સ્કૂલ સામે સરકાર તરફથી થનારી કાર્યવાહી અનિર્ણિત હોવાથી અંતે સ્કૂલ સામે કાર્યવાહી કરવા માટે સ્કૂલ પાસેથી બીયુ પરમિશન -સ્કૂલ માન્યતા સહિતના તમામ પુરાવા માંગવામાં આવ્યા છે.
સરકાર પાસે હાલ સ્કૂલ સંબંધિત કોઈ પણ માહિતી ન હોવાથી સરકારની સૂચનાને પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો આધારા-પુરાવા સાથે રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.સેવન્થ ડે સ્કૂલને અગાઉ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા બે વાર શો કોઝ નોટિસ અપાઈ હતી અને જેમાં છેલ્લે માન્યતા- એનઓસી રદ કેમ ન કરવી તેની શો કોઝ નોટિસ સામે સ્કૂલ મેનેજમેન્ટના સભ્યોએ ડીઈઓને રૂબરૂ મળી ખુલાસો કર્યો હતો. જોકે ડીઈઓ દ્વારા માન્ય રખાયો ન હતો અને સ્કૂલ મેનેજમેન્ટને આચાર્ય- બેજવાબદાર સ્ટાફને છુટા કરવા આદેશ કરાયો હતો.
ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી હોવાથી અને એબીવીપી, એનએસયુઆઈથી માંડી વિવિધ સંગઠનો તેમજ સ્થાનિકો, વાલીઓમાં ભારે આક્રોશ અને વિરોધ છે તેમજ વેપારી મહામંડળ પણ એક દિવસનો બંધ પાળી આ મુદ્દે વિરોધ રજૂ કર્યો છે.જેને પગલે સરકારે સ્કૂલ સામે કાર્યવાહી કરવી પડે તેમ હોઈ પરંતુ સરકાર પાસે કાર્યવાહી કરતા પહેલા સ્કૂલ સંબંધીત જરૂરી માહિતી-વિગતો ઉપલબ્ધ ન હોવાથી ડીઈઓને તમામ આધાર-પુરાવા માંગવા સૂચના અપાઈ હતી, જેને પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને પરિપત્ર કરીને બીયુ પરમિશન, સરકારની એનઓસી, આઈસીએસઈ એફિલિએશન, વિદ્યાર્થી સંખ્યા-શિક્ષક પગાર સહિતની તમામ માહિતી માંગવામાં આવી છે.
Reporter: admin







