લંડન : બ્રિટનમાં ચાલી રહેલો કોલસાથી વીજળી ઉત્પન્ન કરતો પાવર પ્લાન્ટ 30મી સપ્ટેમ્બરે રાત્રે બંધ કરાયો હતો.
આ પ્લાન્ટની તમામ ચીમનીઓ હવે તબક્કાવાર બંધ કરવામાં આવશે જેના માટે હજી બે-ચાર વર્ષ લાગશે. મહત્ત્વની વાત એ છે કે, વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરનારા બ્રિટનમાં સૌથી પહેલાં 18મી સદીમાં કોલસાથી વીજળી ઉત્પાદન કરતા પ્લાન્ટ શરૂ કરાયા હતા. આ સાથે જ બ્રિટન દુનિયાનો પહેલો સમૃદ્ધ દેશ બન્યો છે. જેણે અશ્મિગત ઈંધણ એવા કોલસાના ઉપયોગને શૂન્ય કરી દીધો છે. બ્રિટને કાર્બન ન્યૂટ્રલ કન્ટ્રી તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. બ્રિટન ઘણાં વખતથી પોતાના ઝીરો કાર્બન ઉત્સર્જન ઉપર કામ કરી રહ્યું હતું. તેના ઉપર તાજેતરમાં મોટો નિર્ણય લેવાયો હતો.જી-7 દેશોમાં બ્રિટન પહેલો દેશ છે જેણે કોલસાના ઉપયોગને સદંતર બંધ કરીને કાર્બન ન્યૂટ્રલ થવાની દિશામાં મોટું પગલું ભર્યું છે.
આ પ્લાન્ટની 8 ચીમનીઓ છે તેને ડિસ્મેન્ટલ કરતા હજી સમય જશે. આ કામગીરી આગામી 4-5 વર્ષમાં પૂરી કરવામાં આવશે. આ પ્લાન્ટમાં 170 જેટલાક કર્મચારીઓ છે. આ તમામ કર્મચારીઓ આ પ્લાન્ટને ડિકમિશન્ડ કરવામાં આગામી બે વર્ષ સુધી મદદ કરશે. વર્ષ 1960ના દાયકામાં રેટક્લિફ ઓન સોર નામના પ્લાન્ટને શરૂ કરવાની વિચારણા ચાલુ થઈ હતી. 1968માં આ પ્લાન્ટ સક્રિય કરવામાં આવ્યો હતો. અંદાજે 50થી વધુ વર્ષ સુધી આ પ્લાન્ટ દ્વારા બ્રિટન માટે વીજળી ઉત્પન્ન કરવામાં આવી હતી. તે અંદાજે વીસ લાખ મકાનોને વીજળી પહોંચાડતો હતો. આ પ્લાન્ટ બંધ કરવા સાથે જ 142 વર્ષના ઔદ્યોગિક ક્રાંતિના ઈતિહાસનો અંત આવ્યો હતો. આ પાવર પ્લાન્ટ ખૂબ જ મહત્ત્વનો હતો.
Reporter: admin