અમદાવાદ: શહેર માં વધુ એક હત્યાની ઘટના બની છે. શહેરના વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં કારમાંથી મૃતદેહ મળ્યો હતો.
બિલ્ડરની ઓળખ હિંમત રૂદાણી તરીકે થઈ છે. આ ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વિરાટનગર બ્રિજ નીચે એક મોંઘેરી કાર ઊભી હતી અને તેમાં બિલ્ડર હિંમત રુદાણીની લાશ પડી હતી. તેમના શરીર પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા ઝીંકવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. ઘટનાની જાણકારી મળતાં જ સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો અને લોકોની ભારે ભીડ એકઠી થઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી અને વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. રિપોર્ટ આપ્યા બાદ વધુ વિગતો સામે આવી શકે છે. હાલમાં પોલીસે હત્યારાને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અગાઉ પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા થઈ હતી
ઉલ્લેખનીય છે કે, પાલડી વિસ્તારમાં અંજલી ઓવરબ્રિજ નીચે નૈસલ ઠાકોરની હત્યા કરાઈ હતી. શુક્રવારે (12મી સપ્ટેમ્બર) વહેલી સવારે એક કારમાં આવેલા અજાણ્યા શખસો નૈસલ ઠાકોરને ટક્કર મારી. ત્યારબાદ કારમાંથી ઉતરીને અજાણ્યા શખસોએ નૈસલ ઠાકોરને છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાઓના પગલે વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પાલડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલાની ગંભીરતા સાથે વધુ તપાસ શરૂ કરી છે.
Reporter: admin







