સ્માર્ટ સિટીના અંધ ભક્તોએ સામેથી વીજ કંપનીની કચેરીએ જઈ પોતાને ત્યાં સ્માર્ટ મીટર પહેલા નાંખવા અરજ વિનંતી કરવી જોઈએ.
નવા મીટર, લઈ આવનારને સારા ચોઘડીયામાં પહેલા પોંખવો,સ્વાગત કરવું.નવું મીટર લગાડી લીધા પછી મધ્યમાં ચાંદલા કરી, દિવા-અગરબત્તી કરવા.
પછી વેલણથી થાળી વગાડી પડોશીઓને પ્રસાદ વહેંચવો,જેથી તેમની પણ નવા મીટર લગાડવાની હિંમત વધે.દહેશત દૂર થાય.મીટરની બાજુમાં કેસરી ઝંડો અચૂક લગાડવો. મીટરની નીચે શુભલાભ લખવું. બાજુમાં ૫૬ ઈંચની છાતી હોય તેવા, તમને ગમતા નેતાનો ફોટો અચૂક લગાડવો.પછી સેલ્ફી ફોટો લઈ સ્ટેટસમાં મુક્વો.
મીટરનાં આંકડાને વધતા જોઈને છાતીનાં ધબકારા વધી શકે છે.રાતની ઉંઘમાં વિઘ્ન આવી શકે છે.ક્યારેક ઉંઘ ઉડી શકે છે.મગજ ચકરાવે ચડી શકે છે.રાત્રે પણ ફાસ્ટ ફરતા મીટરનાં આંકડા જોવાની ઈચ્છા થઈ શકે છે.
દિવસમાં ચાર વખત પ્રિપેઈડ મીટરનાં ચક્રને સુદર્શન ચક્ર સમજીને,પોતાનાં ઈષ્ટ દેવને યાદ કરી મીટર દર્શન કરવા.જેટલા આંકડા વધે, તેટલું રિચાર્જ વધે.દરેક રિચાર્જને મહાદાન સમજવું. દેશહિતમાં જ આ રકમ જઈ રહી છે તેમ સમજવું.તમારા જેવા દાતાઓથી તો આ દેશનો તથા મહાન નેતાઓનો 'વહીવટ' ચાલે છે.
કોઈ સમસ્યા જણાય તો સમદુ:ખીયા કાર્યકરોને ખાનગીમાં જણાવવું, તમારી સેવામાં હાજર થઈ જશે
ભવિષ્યમાં તમારા સ્માર્ટ મીટરને રિચાર્જ કરવાની લોન બેંકો આપી શકે છે.સોસાયટીમાં સૌથી વધુ રિચાર્જ કરનારાઓનું જાહેરમાં સ્વાગત કરાશે તેવી યોજના પણ આવી શકે છે.તેમની વેબ સાઇટ ઉપર તમારા નામ મુકાઈ શકે છે.
પરિવર્તનને સૌએ સ્વીકારવું જ રહ્યું. સ્માર્ટ સિટીમાં રહેવું હોય તો સૌએ સ્માર્ટ બનવું જ પડશે.બીલ કન્ટ્રોલ કરવા નવા નવા અખતરા કરવા પડશે.સૌએ વહેલા જાગવાની અને વહેલા ઉંઘવાની આદત પાડવી પડશે.સૌનો સાથ સૌનો વિકાસ.
Reporter: News Plus