ખેલ મહોત્સવનાં રજિસ્ટ્રેશનમાં અનોખા આંકડાની નવાઇ..
નાયબ મુખ્યમંત્રી પ્રત્યે અસંતોષ? ધારાસભ્યોનાં બોયકૉટને લઈને ચર્ચા...

સાંસદ ખેલ મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધારાસભ્યો જ ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક, સાંસદનો અંદરખાને વિરોધ ?.
સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શનિવારે રાત્રે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નવાઇની વાત એ રહી કે તેમાં શહેર અને ગ્રામ્ય બંનેના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. મંત્રી મનીષા વકીલ હાજર રહ્યા હતા. સાંસદના કાર્યક્રમમાં ધારાસભ્યો ગેરહાજર રહેવાની ઘટનાએ શહેર ભાજપના વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જ્યો છે. કાર્યકરો સવાલ ઉઠાવી રહ્યો છે કે આ સાંસદનો જ વિરોધ હતો કે પછી સાંસદ ખેલ મહોત્સવનો વિરોધ હતો. જેના કારણે ધારાસભ્યો હાજર રહ્યા નહોતા. કેટલાકનું માનવું છે કે નાયબ મુખ્યમંત્રી અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવી પ્રત્યેના અસંતોષથી ધારાસભ્યો કાર્યક્રમમાં જોડાયા નહોતા. શનિવારે સાંસદ ખેલ સ્પર્ધાનું ઉદ્ઘાટન યોજાયું હતું. જેમાં જાહેરાત કરવામાં આવી કે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારને મળી કુલ 2 લાખ રજિસ્ટ્રેશન થયું છે. પરંતુ નવાઇની વાત એ છે કે આખા રાજ્યના ખેલ મહાકુંભમાં પણ કુલ અંદાજે એટલા જ રજિસ્ટ્રેશન થાય છે. તેથી સવાલ ઉઠે છે કે સાંસદ ખેલ સ્પર્ધા મોટી કે ખેલ મહાકુંભ? આ સવાલનો જવાબ આયોજકોને આપવો જ પડે તેવી ચર્ચા છે.
સાંસદની જવાબદારી: વડોદરામાં રમતગમત સુવિધાઓ વિકાસાવે...
સાંસદે ખેલ સ્પર્ધાનું આયોજન કરવું સ્વાગતનીય છે, પરંતુ તેની સાથે સાથે સાંસદની જવાબદારી એ પણ છે કે વડોદરા જિલ્લામાં રમતગમતની સુવિધાઓ વધુ વિકસાવે. ખાસ કરીને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બાબતે અત્યાર સુધી રમતગમત મંત્રી સુધી અનેક રજૂઆતો થઈ છે, છતાં કોઈ સંતોષજનક નિરાકરણ આવ્યું નથી.ભલે નવા સ્ટેડિયમો ન બને, પરંતુ હાલની સુવિધાઓનું યોગ્ય સંવર્ધન અને મેઇન્ટેનન્સ થવું જરૂરી છે. આ દિશામાં સરકારી તંત્ર, અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા ચિંતાજનક ગણાય છે. દાયકાઓથી વડોદરા શહેર રાજ્યમાં રમતગમત ક્ષેત્રે અગ્રસ્થાને રહ્યું છે અને અહીંના ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂક્યા છે. ખેલાડીઓ અસુવિધાઓ વચ્ચે પોતાનું કૌશલ્ય વિકસાવે છે ત્યારે તેમને યોગ્ય સુવિધાઓ મળે તે દિશામાં પ્રયત્નો વધારવા સમયની માંગ છે.
રમતવીરો માટે ફેસિલિટી તો વધારવી જોઈએ
રમત-ગમત સાથે સંકળાયેલા એક શિક્ષકે જણાવ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવ ભલે કરવામાં આવે, પરંતુ રમત-ગમતની સુવિધાઓ માટે જે પ્રયાસો કરવા જોઈએ તે બિલકુલ થતા નથી. સ્પોર્ટ્સ સ્ટેડિયમોનું યોગ્ય મેન્ટેનન્સ થતું નથી. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. યોગ્ય ફેસિલિટી રમતવીરોને મળે તે પણ જરૂરી છે અને ફેસિલિટી વધારવી તે પણ મહત્વપૂર્ણ છે.
Reporter: admin







