દિલ્હી : નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભાજપને સૌથી વધુ 4340.47કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, જે સાથે જ ફંડ મેળવનારા રાજકીય પક્ષોમાં ભાજપ ટોચના સ્થાને છે.
એડીઆર દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી સામે આવી હતી. ભાજપે પોતાને વર્ષ 2023-24 દરમિયાન 4340.47 કરોડ રૂપિયા મળ્યાની જાહેરાત કરી હતી. જેમાંથી માત્ર 50 ટકા જ ખર્ચ કરવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. એડીઆરએ જણાવ્યું હતું કે ભાજપે મળેલા કુલ ફંડના 50 ટકા એટલે કે આશરે 2211.59 કરોડ રૂપિયા ખર્ચ નથી કર્યો. જ્યારે કોંગ્રેસને ગત નાણાકીય વર્ષ દરમિયાન 1225.12 કરોડ રૂપિયા દાન તરીકે મળ્યા હતા જેની સામે 1025 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો જે કુલ આવકના 83 ટકા છે.
તમામ પક્ષોને સૌથી વધુ ફંડ ઇલેક્ટોરલ બોન્ડથી મળ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડથી ભાજપને સૌથી વધુ 1685.63 કરોડ, કોંગ્રેસને 825.36 કરોડ, આમ આદમી પાર્ટીને 10.15 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ત્રણેય પક્ષોને કુલ 2524 કરોડ રૂપિયા એટલે કે આશરે 43ટકા રકમ ઇલેક્ટોરલ બોન્ડથી મળી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ રદ કર્યા હતા, એક આરટીઆઇમાં એડીઆરને બેન્કે જવાબ આપ્યો હતો કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન વિવિધ રાજકીય પક્ષોએ તેમને ઇલેક્ટોરલ બોન્ડથી મળેલા રૂ. 4507 કરોડ વટાવી લીધા છે. જેમાં રાષ્ટ્રીય પક્ષોની રકમ 2524.13 કરોડ રૂપિયા એટલે કે 55.99 ટકા છે. કોંગ્રેસે સૌથી વધુ ચૂંટણી સાથે સંકળાયેલો આશરે 619 કરોડનો ખર્ચ કર્યો હતો, જ્યારે 340 કરોડ વહીવટી અને સામાન્ય ખર્ચનો સમાવેશ થાય છે. સીપીઆઇએમએ 56 કરોડ વહીવટી ખર્ચ કર્યો હતો, જ્યારે 47 કરોડ કર્મચારીઓ પાછળ ખર્ચ થયો હતો.
Reporter: admin