19 આધુનિક જમાનામાં પણ અંધશ્રદ્ધાના કિસ્સા સમયાંતરે પ્રકાશમાં આવતા હોવાના કિસ્સા પોલીસમાં નોંધાતા રહે છે ત્યારે આવા જ વધુ બે કિસ્સાઓ સામે આવ્યા હતા. જેમાં જોરાવરનગરમાં રહેતા મજુર પરિવારની બીમાર બાળકીને સારવાર અર્થે ખસેડવાના બદલે માતાએ ભૂવા પાસે લઈ જતા ભૂવાએ અગરબત્તીના ડામ દેતા તબીયત લથડતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તેમજ મેટોડામાં પણ એક બાળકને ડામ દીધાનો બનાવ હોસ્પિટલમાં પહોંચ્યો હતો.
આ અંગેની વિગત એવી છેકે, સુરેન્દ્રનગરના જોરાવરનગર ગામે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારની ત્રણ વર્ષની બાળકી બીમાર પડતા માતાએ હોસ્પિટલમાં લઈ જવાના બદલે આ જ વિસ્તારમાં રહેતા ભૂવા પાસે લઈ ગઈ હતી અને ભૂવાએ માસૂમ બાળકીને શરીરે અગરબત્તીના ડામ દીધા હતા. બાદમાં બાળકીની તબીયત વધુ લથડતા સ્થાનિક તબીબ પાસે લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તબીબની તપાસમાં સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભેની જાણ થતા જોરાવરનગર પોલીસ રાજકોટ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીના પિતા ગંભીર બીમારીમાં સપડાયા હોય તેની અસર બાળકીને થઈ હોવાની આશંકાએ સારવાર કરાવવાના બદલે માતા ભૂવા પાસે લઈ ગયાનું ખુલ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
તેમજ લોધિકા તાબેના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારના બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાના બદલે શરીરે ડામ દેવામાં આવતા તબીયત લથડતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મેટોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Reporter: News Plus