વડોદરા : એક મહિનામાં 170 લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતાં પકડાયા છે અને અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં જાહેરમાં કચરો નાખતા તત્ત્વોને રોકવા માટે પાલિકાએ વધુ એક નવી પહેલ શરૂ કરી છે. શહેરની સફાઈ જળવાઈ રહે અને નાગરિકોમાં જવાબદારીની ભાવના ઊભી થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી 33 એલઈડી સ્ક્રીન પર કચરો નાખનારાઓના ફોટા અને તેમના વાહનના નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે.આ પહેલ હેઠળ શહેરના 1800થી વધુ સીસીટીવી કેમેરા મારફતે કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આઈટી વિભાગ દ્વારા કચરો નાખનારી વ્યક્તિ અને તેમનાં વાહનના નંબર સાથેની વિગતો વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચાડવામાં આવે છે.

ત્યારબાદ જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ અને અન્ય કાર્યવાહી કરાય છે. એક મહિનામાં 170 લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતાં પકડાયા છે અને અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ નવી પહેલ નાગરિકોને જાગૃત કરવા માટે કરાઈ છે. પાલિકા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની સુવિધા આપે છે છતાં કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકે છે, જે ખોટું છે. હવે આવા તત્ત્વોને જાહેરમાં ઉજાગર કરવાનો નિર્ણય લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી 33 એલઈડી સ્ક્રીન પર જાહેરમાં કચરો નાખનાર લોકોને ઉજાગર કરવામાં આવશે.



Reporter: admin







