વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવની ફરતે ઉભા થયેલા ગેરકાયદેસર દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.
અગાઉ વિધાનસભાના મુખ્ય દંડકે તળાવની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યા બાદ સરકારી જગ્યામાં ઊભા થયેલા દબાણ દૂર કરવા જિલ્લા કલેકટરને રજૂઆત બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્યએ તેઓના વિધાનસભા વિસ્તારમાં જ્યારે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન તળાવની આસપાસ દબાણો નજરે પડ્યા હતા. ત્યારે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે દબાણો રાજ્ય સરકારની જમીન ઉપર હોવાથી તેઓએ તેને દૂર કરવા રજુઆત કરી હતી. તો કલેક્ટરે પણ આ દબાણો દૂર કરવાની સૂચના આપી હતી.
જેને લઈ ગુરુવારે ગાજરાવાડી સ્થિત રામનાથ તળાવના બ્યુટીફીકેશન પહેલા પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણો દૂર કરવા પહોંચી હતી. સાથે મામલતદાર, ટીડીઓ, આકારણી શાખાના અધિકારીઓ પણ આ કામગીરી વેળાએ હાજર રહ્યા હતા. અમરનાથ મહાદેવ તળાવની કંમ્પાઉન્ડ વોલ, ઓરડી સહિત તળાવની ફરતે આવેલા અનેક કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જ્યારે તળાવનું બ્યુટીફીકેશન થશે ત્યારે તે દરમિયાન લોકોને ચાલવા માટે ટ્રેક, ગાર્ડન સહિતની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. રામનાથ તળાવની ફરતે કારખાનાના 4 જેટલા શેડ અને કમ્પાઉન્ડ વોલ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી હતી.
Reporter: admin