દિલીપસિંહ ગોહિલના પરાક્રમસિંહ જાડેજા સામે ગંભીર આરોપ,અમારી મિલકત લખાવી લેવાના ઉદ્દેશ્યથી ખોટી ફરિયાદ કરી....
ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ શિક્ષણ સમિતીના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ સામે જમીન વિવાદમાં ફરિયાદ નોંધાવ્યા બાદ વિદેશ ફરાર થઇ ગયેલા દિલીપસિંહ ગોહિલ વડોદરા પરત આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે. પરાક્રમસિંહ જાડેજા અને દિલીપસિંહ વચ્ચેની લડાઇ હવે પરાકાષ્ટાએ પહોંચી છે. દિલીપસિંહે અખબારોમાં જાહેર ખુલાસો છપાવીને પરાક્રમસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે જાહેર ખુલાસામાં જણાવ્યું છે કે તેમની સામે સમા પોલીસ સ્ટેશનમાં પરાક્રમસિંહ દ્વારા ફરિયાદ કરાઇ હતી અને રમેશ પટેલ ઉર્ફે મહારાજે તેમની સામે ડીસીબીમાં ફરિયાદ કરેલી હતી. બંને ફરિયાદમાં અમે નિર્દોષ છીએ. પરાક્રમસિંહે જે ફરિયાદ કરેલી છે તે ફરિયાદવાળી જમીનના વેચાણ માટે અમે ફક્ત પરાક્રમસિંહની ઓળખાણ જમીન માલિકના ભત્રીજા કમલેશ દેત્રોજા સાથે કરાવી હતી. તે વ્યવહારમાં આશરે 1.70 કરોડનો વ્યવહાર પણ પરાક્રમસિંહ અને કમલેશ વચ્ચે સીધો જ થયેલો છે. તેમાં અમારો કોઇ લાગ ભાગ કે હક્ક હિસ્સો નથી. પરાક્રમસિંહ કમલેશને વર્ષોથી ઓળખે છે. અગાઉ પણ કમલેશ દેત્રોજાની માલિકીની આમલીયારાવાળી જગ્યાની ખરીદી કરેલ છે. જે જમીનમાં અમારી સામે ફરિયાદ કરેલી છે તે જંમીનના માલિક તેમજ તેમના ભત્રીજા કમલેશ દેત્રોજા જોડે પણ તેમના અંગત વ્યવહાર કરેલા છે. ખોટા વ્યક્તિએ દસ્તાવેજ કરેલ અને તે વ્યક્તિની ઓળખાણ દસ્તાવેજ ઓફિસમા પરાક્રમસિંહ જાડેજાના ઓળખીતા વ્યક્તિઓએ જ કરેલી છે. ખોટા દસ્તાવેજ બાબત રજીસ્ટ્રારને જણાવેલું નથી. જેથી સ્પષ્ટ થાય કે કે તેમણે મેળાપીપણામાં દસ્તાવેજ કરેલો છે. મુળ માલિક દ્વારા પોલીસ કમિશનરને અરજી કરતા તે અરજીના કામે ફરિયાદથી બચવા તમામ ગુના અમારા માથે નાખી અમને બાનમાં લેવાનું કાવતરું ઘડેલું છે. અમારા સસરા ભીખુસિંહ રાજપુતની માલિકીની મિલકત વડોદરા તાલુકામાં આવેલી છે. તે મિલકત પર રમેશ પટેલ મહારાજની જ હોઇ મહારાજ દ્વારા અમારી સામે ડીસીબીમાં સેલ્ફ ચેક દ્વારા પૈસા પાડવાની ખોટી ફરિયાદ તેમની અને તેમના સસરા પર દબાણ લાવવા કરેલી છે. જાહેર ખુલાસો આપીને હું જણાવું છું કે અમને માલમિલકત તથા જાનમાલને નુકશાન થાય તેવો ડર હોવાથી અમે આ જાહેર ખુલાસો આપી રહ્યા છીએ કે ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ કરવા મેં પિટીશન કરેલી છે. છતાં અમારી છબીને નુકશાન પહોંચાડવા તથા અમારી મિલકત લખાવી લેવાના ઉદ્દેશ્યથી ખોટી ફરિયાદ કરેલી છે.
વિદેશથી પણ હું પરાક્રમસિંહ સાથે સંપર્કમાં હતો.
તેમણે ખુલાસામાં જણાવ્યું છે કે બચાવ સ્વરુપે મારી પાસે તમામ દસ્તાવેજ કોલ રેકોર્ડીંગ છે. બંને ફરિયાદો હું ધંધાના કામે વિદેશ ગયો ત્યારબાદ કરાઇ હતી અને હું વિદેશથી પણ પરાક્રમસિંહના કહેવાથી પરત આવ્યો હું ત્યાંથી પણ પરાક્રમસિંહ સાથે સંપર્કમાં હતો. મને કાયદાકીય કાર્યવાહીમાં સહકાર આપવાની ખોટી ખાતરી આપીને બોલાવ્યો હતો વિદેશથી પાછી આવવાની ટિકીટ પણ મે તેમને વોટ્સએપ પર મોકલી હતી. મારા પરત આવ્યા બાદ તેમણે અંગત નંબરથી મારી પત્ની અને સસરાને સતત ફોન કરી અમારી માલિકીની જમીનનો દસ્તાવેજ કરી આપવા દબાણ કરતા હતા. હાલમાં પણ જમીનોના દસ્તાવેજ કરવા સતત દબાણ ચાલુ રાખે છે.
Reporter: admin







