PSIએ ટ્રાન્સજેન્ડરને લાફો માર્યો અપમાનિત થયેલા ટ્રાન્સજેન્ડરે પીએસઆઈ સામે એમના પોલીસ મથકમાં અરજી આપી શહેરના અટલાદરા પોલીસ મથકના એક પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને નજીવી બાબતે લાફો મારી દેતા ખળભળાટ મચી ગયો હતો. ઉપરાંત, પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને ગંદી ગાળો ભાંડીને અપમાનીત કર્યા હોવાની લેખીત ફરિયાદ અટલાદરા પોલીસ મથકમાં આપવામાં આવી હતી. જોકે, ટ્રાન્સજેન્ડરની ફરિયાદને હજી એફઆઈઆરમાં કનવર્ટ કરવામાં પોલીસ વિભાગ અખાડા કરી રહ્યુ છે. આ બનાવને પગલે શહેરના ટ્રાન્જેન્ડર કોમ્યુનિટિમાં ભારે રોષ ફેલાયો છે.
મુજમહુડા વિસ્તારમાં રહેતા એક ટ્રાન્સજેન્ડરે અટલાદરા પોલીસ મથકમાં અરજી કરી હતી કે, આજે બપોરે હું મારા ઘરે હતી. તે સમયે લક્ષ્ય ટ્રસ્ટમાંથી એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને એણે મને જણાવ્યુ હતુ કે, અમારો બિલ્ડર અમને હેરાન કરે છે એટલે મારી મદદ માટે જલ્દીથી અટલાદરા પોલીસ મથકે પહોંચો. આ વાત સાંભળીને હું અને મારી સાથેના બીજી બે ટ્રાન્સજેન્ડરો એક જ એક્ટિવા પર સવાર થઈને તાબડતોબ અટલાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા.
જ્યાં ઉપસ્થિતિ પીએસઆઈ બી જી ભરવાડે મારી સાથે માથાકૂટ કરી હતી અને મને અપમાનજનક ગાળો ભાંડી હતી. ત્યારપછી મને એક લાફો પણ મારી દીધો હતો. ટ્રાન્સજેન્ડરની અરજીને આધારે અટલાદરા પોલીસે તપાસ શરૂ કરી છે.
Reporter: News Plus