News Portal...

Breaking News :

બાબુજી, PM નાં સ્વાગતની તૈયારીમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઉપરથી ધ્યાન ભંગ ના થાય તે જોજો

2025-05-22 12:18:35
બાબુજી, PM નાં સ્વાગતની તૈયારીમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઉપરથી ધ્યાન ભંગ ના થાય તે જોજો


નેતાઓ ભુલી જાય છે પણ પીએમ મોદીની વડોદરા ઉપર સતત નજર રહે છે, તે યાદ રાખજો... 
પીએમ મોદીના સત્કાર કાર્યક્રમમાં રચ્યા પચ્યા રહેતા નેતાઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઠપ્પ છે તે ભુલી ગયા  



નેતાઓ તો પાર્ટીના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે.વડોદરાવાસીઓ એમની પાસે આશા પણ નથી રાખતા. પરંતુ અધિકારીઓ તેમની જવાબદારી ચૂકે નહીં.... 
આગામી 26મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવ્યા બાદ પહેલીવાર ગુજરાત અને વડોદરામાં આવી રહ્યા છે. ગુજરાતના સપૂત એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં આતંકવાદીઓને હંમેશા જડબાતોડ જવાબ અપાયો છે. વડાપ્રધાન મોદી જ્યારે કર્મભૂમિ વડોદરામાં આવી રહ્યા હોય ત્યારે તેમને સત્કારવામાં વડોદરાવાસીઓમાં જોશભર્યો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય વડોદરાવાસીઓ પણ વડાપ્રધાન મોદીને સત્કારવા સજ્જ છે અને તે રીતે વડોદરા કોર્પોરેશનના પદાધીકારીઓ અને અધિકારીઓ પણ વડાપ્રધાનના સત્કાર કાર્યક્રમ માટે તૈયારીઓ કરી રહ્યા છે. વડાપ્રધાનનું યોગ્ય સન્માન થવું જ જોઇએ પણ તેના માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ઠપ્પ ના થઇ જવું જોઇએ તે પણ અધિકારીઓએ અને શાસક પક્ષના નેતાઓએ જોવું જોઇએ. વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં રચ્યાપચ્યા રહેલા શાસક પક્ષના નેતાઓ અને અધિકારીઓ ભુલી ગયા કે ચોમાસા પહેલા 100 દિવસમાં જ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ પુરુ કરવાનું હતું. નવાઇની વાત એ છે કે વડોદરાવાસીઓને હવે પૂરમાંથી રાહત મળશે તેવી ગુલબાંગો પોકારનારા વડોદરાના શાસક પક્ષના નેતાઓને ખબર જ નથી કે હજુ તો માંડ 60 ટકા કામ થયું છે એમ કેહવું છે અને હવે થોડો સમય જ બચ્યો છે. એક બે દિવસમાં ફરી વરસાદ પડવાની શક્યતા છે. ઝડપથી વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ પુરુ કરવું અત્યંત જરુરી છે. વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓ કરવાની સાથે સાથે તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર પણ ધ્યાન આપવું જરુરી છે. ખુદ પીએમ મોદી ઇચ્છે છે કે વડોદરાની પ્રજાને પૂરથી કાયમી રાહત મળે અને તે માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઉપર પણ તેમની સતત નજર રહે છે. ત્યારે જો પીએમ આ પ્રોજેક્ટનો સ્ટેટસ રિપોર્ટ માગશે તો અધિકારીઓ અને શાસકોને જવાબ આપવા ભારે પડી જશે. પીએમ મોદી ભલે દિલ્હીમાં બેસીને દેશનો વહિવટ કરતા હોય પણ તેમને વડોદરામાં અને ગુજરાતમાં શું ચાલે છે તેનો રિપોર્ટ રોજે રોજ મળી જાય છે, તે વડોદરાના નેતાઓએ ભુલી ના જવું જોઇએ. 



વડોદરાના નેતાઓનો એરપોર્ટ પર ક્લાસ લેવાય તો નવાઇ નહી...
વડોદરાનાં નેતાઓએ યાદ રાખવું જોઇએ કે વડોદરાનો રીપોર્ટ પીએમ મોદીને સમયાંતરે મળી જ જાય છે. વડોદરા ભાજપમાં અને સ્થાનિક નેતાઓ વચ્ચે ચાલતી હુંસાતુંસી, આંતરિક જુથબંધી અને ભ્રષ્ટાચારની તમામ માહિતી પીએમ મોદીને જાણ છે જ. પીએમ મોદી હંમેશા વડોદરાની નેતાગીરીથી નારાજ રહે છે તેનું કારણ પણ આ જ છે. એટલે જ લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદી વડોદરા સભા કરવા આવ્યા જ ન હતા. લોકોનો સ્થાનિક નેતાઓ પ્રત્યે રોષ છે તેની પણ પીએમને જાણ છે. આ વખતે જ્યારે પીએમ લાંબા સમય પછી વડોદરા આવી રહ્યા છે ત્યારે વડોદરા એરપોર્ટ પર નેતાઓનો ક્લાસ લેવાય તો નવાઇ નહી. સીએમના કાર્યક્રમમાં થયેલા હોબાળા બાદ તો પરિસ્થીતી બદલાઇ ગઇ છે. સ્થાનિક નેતાઓ લોકોની સમસ્યા સાંભળતા નથી અને તેનો ઉકેલ પણ લાવતા નથી તેવો સ્પષ્ટ સંદેશ પીએમ સુધી પહોંચ્યો છે તે વાત ચોક્કસ છે. 

કોર્પોરેશન યાદ રાખે કે વડોદરામાં આ સપ્તાહમાં વરસાદની આગાહી છે...
ગુજરાતના અરબી સમુદ્રમાં શક્તિ નામનું વાવાઝોડુ સક્રિય થયું છે અને તેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરાઇ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે કોર્પોરેશને પણ યાદ રાખવું જોઇએ કે વડોદરામાં પણ ભારે વરસાદ આવી શકે છે. થોડા સમય પહેલા વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં જ કોર્પોરેશનનું પાણી મપાઇ ગયું હતું અને મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અસંખ્ય ઝાડ તુટી ગયા હતા. આજથી વડોદરામાં પણ સાત દિવસ વરસાદની આગાહી છે અને સાથે શક્તિ વાવાઝોડાના કારણે પણ વરસાદ વરસી શકે છે ત્યારે વડોદરાવાસીઓ ફરી એક વાર જળંબાબાકારની સ્થિતી ના ભોગવે તે માટે કોર્પોરેશને તૈયારીઓ શરુ કરી દેવી જોઇએ. જે ઝાડના ટ્રીમીંગ કરવાના છે તે ટ્રીમ કરી દેવા જોઇએ અને તાબડતોબ મોટી વરસાદી કાંસો અને ગટરની સફાઇ કરાવવી જોઇએ. 

વડોદરામાં વિધાનસભામાંથી 8 થી 10 હજાર લોકોનો ટાર્ગેટ...
વડોદરા ભાજપ શહેર સંગઠન દ્વારા પણ મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીના કાર્યક્રમમાં હાજર રહે તેવા પ્રયાસો શરુ કરી દેવાયા છે. સુત્રોએ માહિતી આપી હતી કે પ્રત્યેક વિધાનસભામાંથી કાર્યકરને તેમના વિધનસભાના વોર્ડમાંથી અંદાજે 8 થી 10 હજાર લોકો પીએમ મોદીના કાર્યક્રમમાં હાજર રહે તેવો ટાર્ગેટ અપાઇ ગયો છે અને તેથી બુથ લેવલ સુધીના કાર્યકરો ભીડ ભેગી કરવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા કામે લાગી ગયા છે. આ સાથે ઘણી સ્વૈચ્છીક સંસ્થાઓ, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને પણ કામગીરી સોંપવામાં આવી છે.

Reporter:

Related Post