મુખ્યમંત્રીનો નિર્ણય સાચો હતો કે બોલબચ્ચન રાણાજીનાં ભરોસે રહેવાશે નહી. ફરી વડોદરા માનવસર્જિત પૂરનો ભોગ બનશે.જેથી રાણાજીને વિદાય કરીને બાબુજીને લઈ આવ્યા.
બાબુજીએ ધ્યાન આપવું જોઇએ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ વડોદરાના લોકોને પૂરથી બચાવવા શરુ કરાયો હતો...

વડોદરાવાસીઓને જેની અત્યંત જરુર છે તે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચોમાસા પહેલા પુરો થઇ જવો અત્યંત જરુરી છે. જો કોર્પોરેશન તેમાં બેદરકારી દાખવશે તો પ્રજાની હાલત કફોડી થઇ જશે. ગત વર્ષે 3 વખત આવેલા પૂરમાં લોકોએ પોતાના જીવનની પરસેવાની કમાણી ગુમાવી દીધી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાલ મંદ ગતિએ આગળ વધી રહ્યો છે.ત્યારે ગુજરાતની અસ્મિતાએ રવિવારના પોતાના અંકમાં કમિશનરને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. કમિશનર અરુણ મહેશ બાબુએ તેને ગંભીરતાથી લીધો છે. આજે સોમવારે સવારે 10-30 વાગે સમા ભરવાડ વાસ પાસે ચાલતી કામગીરીનું કમિશનર અને પદાધીકારીઓ નિરીક્ષણ કરવા જવાના છે. બાબુજીને મોડે મોડે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ યાદ આવ્યો. ઉલ્લેખનિય છે કે વડોદરાના લોકોને પૂરથી બચાવવા માટે મુખ્યમંત્રીની સૂચનાથી કોર્પોરેશને નવલાવાલા રિપોર્ટના આધારે વિશ્વામિત્રી પ્રોજેક્ટનો ગઇ 9 માર્ચે હોંશે હોંશે પ્રારંભ કર્યો હતો અને 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત મહત્વના કહી શકાય તેવા તમામ કામો પુરા કરી દેવાશે તેવા પૂર્વ કમિશનર રાણાજી અને તુમાખીભર્યા વર્તનના કારણે પંકાયેલા મેયર પિંકી સોનીએ જાહેરાતો કરી હતી 41 દિવસમાં માત્ર 30-35 ટકા જ કામ થયું હતું. નવા કમિશનર અરુણ મહેશ બાબુ સ્વચ્છતા પર ભાર મુકી રહ્યા છે પણ તેમણે વડોદરાવાસીઓના સપના સમાન વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર ધ્યાન આપવા અમે ખાસ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.

અમે જણાવ્યું હતું કે બાબુજીએ ધ્યાન આપવું જોઇએ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ વડોદરાના લોકોને પૂરથી બચાવવા શરુ કરાયો હતો પણ તેમાં હજુ ગતિ આવી નથી.મોટી વરસાદી કાંસોની પણ સફાઇ થઇ નથી. પ્રી મોન્સુન પ્લાન પણ શરુ થયો નથી. તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ડે ટુ ડે ફોલોઅપ લેવું પડશે અને કડક હાથે કાર્યવાહી કરવી પડશે તો જ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ 100 દિવસમાં થઇ શકશે કારણ કે વડોદરાના નેતાઓ અને પદાધીકારીઓનો ઘમંડી બની ગયા છે. તેમને તો પોતાના વિકાસમાં જ રસ છે. સ્થાયીના કામોમાં રસ છે અને પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ પધરાવવામાં રસ છે. નેતાઓનો ઇગો વધી ગયો છે. મને બોલાવતા નથી તેવો ઇગો રાખીને પ્રજાનું કામ ટલ્લે ચઢાવી રહ્યા છે. વડોદરાની જનતાને તેમને પડી નથી જેથી કમિશનર બાબુના ખભે જ તમામ જવાબદારી છે. વડોદરાની પ્રજાની તમારી પાસે સારી અપેક્ષા છે. જો તેઓ આ અપેક્ષા પુરી કરશે તો વડોદરાની જનતા કાયમ તેમને યાદ રાખશે. રાણાજી ગયા ત્યારથી વિશ્વામિત્રીમાં કામ થતું નથી.પ્રજાની પ્રાથમિક્તા અને જરુરીયાત હાલ પૂર છે કમિશનર સ્વચ્છતા પર ધ્યાન ફોક્સ કરી રહ્યા છે.

Reporter: admin