નૂતન ભારતના ભાવીને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ તે ખૂબ જ અગત્યનું પાસું ગણાય છે. તે માટે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલવાટિકા થી ધોરણ- ૮ સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતાં ક્રમશ: ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે ભારતના આર્શ દ્રષ્ટા, નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘ દ્રષ્ટા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ઉદાત્ત વિચારધારાની ફળશ્રુતિ રૂપ કન્યા કેળવણી માટે એક પાયાની શીલા સમાન ઉત્સવ એટલે આ "શાળા પ્રવેશોત્સવ" તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાનાં પ્રમાણમાં ઘટાડો થાય તથા દિકરાઓ અને દિકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યની સાથે- સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યાં જેનું પરિણામ એ આવ્યું કે, આજે વર્ષોથી ઉજવવામાં આવતા "શાળા પ્રવેશોત્સવ" નાં કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ ૧૦૦% પહોંચવા આવ્યો છે. જ્યારે શાળા છોડવાનું પ્રમાણ ૧% થી પણ ઓછું થયેલ છે. જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આ "શાળા પ્રવેશોત્સવ" ની ઉજવણી થવા જઈ રહી છે. જેમાં ૧૧૯ પ્રાથમિક શાળાઓમાં (જેમાં 102 ગુજરાતી માધ્યમ, 13 હિન્દી માધ્યમ અને 04 અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે) "શાળા પ્રવેશોત્સવ" ની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. આ "શાળા પ્રવેશોત્સવ" દરમિયાન બાલવાટિકામાં ૨૭૦૪ બાળકોને અને ધોરણ -૧ માં અંદાજીત ૧૭૮૦ બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે. આ "શાળા પ્રવેશોત્સવ" ની ઉજવણીમાં રાજ્ય સરકારશ્રી દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ વિવિધ મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓની હાજરી માટે સૂચન કરવામાં આવ્યું છે. આથી આ મહાનુભાવો આગામી તારીખ – ૨૬,૨૭ અને ૨૮ જૂન - ૨૦૨૪ દરમિયાન વિવિધ શાળાઓમાં હાજરી આપી બાલવાટિકા તથા ધોરણ-૧ માં નવિન પ્રવેશપાત્ર બાળકોને શાળામાં આવકારશે. આ "શાળા પ્રવેશોત્સવ" અંતર્ગત નવિન પ્રવેશપાત્ર તમામ ભૂલકાંઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે. જેમાં બેગ, વોટર બેગ, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફુટપટ્ટી, કંપાસ, વોટર બેગ, બુટ - મોજા, ગણવેશ જેવી વિવિધ સામગ્રીનો સમાવેશ થાય છે.આ સાથે સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય કચેરી દ્વારા વિદ્યા પ્રવેશ, મારી લેખન પોથી નોટબુક, ફ્લેશ કાર્ડ, ચાર્ટ, ચિત્રપોથી, વર્તાપોથી જેવી વિવિધ સામગ્રી પણ પુરી પાડવામાં આવનાર છે જેથી સમયસર બાલવાટીકા તથા ધોરણ- ૧ માં પ્રવેશ પામનાર બાળકોના શાળા પ્રવેશ બાદ તેઓનો અભ્યાસ સુચારૂ રીતે થઈ શકે. આ સાથે માનનીય બાલકૃષ્ણ શુકલ ( ધારાસભ્યશ્રી રાવપુરા વિધાનસભા તથા મુખ્ય દંડકશ્રી ગુજરાત વિધાનસભા) પિન્કીસોની (વડોદરા મહાનગરના મેયર) માનનીય ડૉ. હેમાંગ જોષી (વડોદરા લોકસભાના સાંસદ ) માનનીય યોગેશભાઈ પટેલ (ધારાસભ્ય માંજલપુર વિધાનસભા), માનનીય મનિષાબેન વકીલ (ધારાસભ્ય શહેર વિધાનસભા), માનનીય કેયુરભાઈ રોકડીયા (ધારાસભ્ય સયાજીગંજ વિધાનસભા), માનનીય ચૈતન્યભાઈ દેસાઈ (ધારાસભ્ય અકોટા વિધાનસભા) ની પ્રેરક ઉપસ્થિતિમાં આ “શાળા પ્રવેશોત્સવ” દરમિયાન શાળાનાં બાળકોને ઉપલબ્ધ થનાર છે. આ સાથે અન્ય પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાનાં માનનીય અધ્યક્ષ મિનેષભાઈ પંડ્યા, શાસનાધિકારી શ્વેતાબેન પારગી માનનીય સભ્યઓ આદિત્ય પટેલ, વિજય પટેલ, રીટા માંજરાવાલા, ભરત ગજ્જર, શર્મિષ્ઠા સોલંકી, અંજના ઠક્કર, રણજીત રાજપુત, નિલેશકહાર જિજ્ઞેશ પરીખ નિષિધ દેસાઈ, નીપા પટણી, કિરણ સાળુંકે તથા કિશોર પરમાર સહિતના પદાધિકારી “શાળા પ્રવેશોત્સવ” દરમિયાન વિવિધ શાળાઓમાં જઈને ધોરણ-૧, બાલવાટિકામાં પ્રવેશ મેળવતાં બાળકોને આવકારશે.આ સાથે પૂર્વ સાંસદશ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી તથા શહેર સંગઠનના વિવિધ પદાધિકારી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે.આ “શાળા પ્રવેશોત્સવ”ની પ્રતિવર્ષ ઉજવણીના ફળ સ્વરૂપ પ્રતિ વર્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોના પ્રવેશમાં ઉત્તરોત્તર વધારો જોવા મળેલ છે જે નીચે મુજબ છે.
વર્ષ પ્રવેશની સંખ્યા
2021 5164
2022 5339
2023 5343
આ સાથે ધોરણ-૮ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને અગ્રિમ અભ્યાસ અર્થે અન્ય શાળામાં અભ્યાસ અર્થે જવું ન પડે એ ઉત્તમ હેતુથી વર્ષ ૨૦૨૩-૨૪ માં
1. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા , ગોત્રી ગામ (બપોર)
2. ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા, અટલાદરા (બપોર)
3. કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા, ગાજરાવાડી (બપોર)
4. સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા, હરણી રોડ (બપોર)
૦૪ માધ્યમિક શાળાઓનો પ્રારંભ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ હતો. જેમાં અંદાજિત ૫૦૦ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ ૦૪ માધ્યમિક શાળાઓને ખૂબ જ સારો પ્રતિસાદ મળતાં અને વધુમાં વધુ બાળકો અન્યત્ર ન જતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત માધ્યમિક શાળામાં અભ્યાસ કરી શકે તે હેતુસર આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે વધુ ૦૬ માધ્યમિક શાળા નો પ્રારંભ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા થવા જઈ રહ્યો છે જે નીચે મુજબ છે.
1. માં ભારતી માધ્યમિક શાળા, અકોટા
2. કુબેરેશ્વર માધ્યમિક શાળા, માંજલપુર
3. પૂજ્ય ડોંગરેજી મહારાજ માધ્યમિક શાળા, નવાપુરા
4. વીર સાવરકર માધ્યમિક શાળા, ગોરવા
5. પૂજ્ય માધરાવ ગોવળંકર માધ્યમિક શાળા, હરણી
6. વીર ભગતસિંહ માધ્યમિક શાળા, ફતેપુરા
આ મુજબ વધુ ૦૬ માધ્યમિક શાળાઓ શરૂ થતાં વધુમાં વધુ બાળકો તેમાં અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે યોગ્યતા કેળવે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સતત પ્રયત્નશીલ છે. જેમાં આ વર્ષે શરૂ થનાર ૦૬ માધ્યમિક શાળાઓમાં અંદાજિત 400 જેટલાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે. અને હજુ વધુ બાળકો પ્રવેશ મેળવી રહ્યા છે.આ વર્ષે “શાળા પ્રવેશોત્સવ” ની ઉજવણી દરમિયાન વૃક્ષારોપણ તથા પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતિ ફેલાય તે માટે એક ઉત્તમ પહેલ પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે જેનાં ભાગરૂપે “શાળા પ્રવેશોત્સવ” માં ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભવો, પદાધિકારી, અધિકારી વગેરે દ્વારા સંકલ્પ વૃક્ષનું આરોપણ કરવામાં આવનાર છે. અને એક બાલ એક ઝાડ નાં સંકલ્પ સિધ્ધી માટે શાળા પરિવારમાં જાગૃતિ ફેલાઈ અને શાળા કક્ષાએ વિદ્યાર્થીગણ, વાલીગણ વગેરેને આ બાબતે જાગૃત કરીને પર્યાવરણની જાળવણી માટેના પ્રયત્નો હાથ ધરાય તે મુજબ આયોજન થનાર છે. આ પ્રમાણે સક્ષમ ભારતનો પાયો સક્ષમ સમાજ અને સક્ષમ સમાજના રચયીતા એવા આજનાં આ ભૂલકાંઓ બાળકો પણ અભ્યાસ કરી સક્ષમ બને તે અર્થે “શાળા પ્રવેશોત્સવ” ની ઉજવણી હાથ ધરાનાર છે.
Reporter: News Plus