પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર માસના પાંચમા નોરતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીનાં દર્શનાર્થે ઉમટી પડયા હતા, પાવાગઢ ખાતે વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીમાં આંશિક ઘટાડો થતાં માઇભક્તોને રાહત થઈ હતી.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીનું શક્તિપીઠ આવેલું છે, જ્યાં ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો હોય છે, હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીનાં દર્શનાર્થે આવી રહ્યા છે, શનિવારે પાંચમા નોરતે પાવાગઢ ખાતે ભક્તોનો ધસારો વધારે જોવા મળ્યો હતો, ચાલુ વર્ષે ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ જોવા મળી રહ્યો છે, સાથે જ ગરમીના કારણે પણ ભક્તોની ઓટ જોવા મળી રહી છે, પરંતુ શનિવારે પાંચમા નોરતે ભક્તોનો પ્રવાહ વધ્યો છે, વહેલી સવારથી માતાજીનાં દર્શન કરવા માટે ભક્તો કતારબંધ ગોઠવાઈ ગયા હતા, અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી, શનિવારે બપોર બાદ વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો, જેને લઇને પાવાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓએ રાહત અનુભવી હતી, ચૈત્ર માસના પાંચમા નોરતે મોડીસાંજ સુધીમાં અંદાજે ૫૦ હજાર ઉપરાંત માઇભક્તોએ શ્રી મહાકાળી માતાજીના દરબારમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી
સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્રના માઈભક્તો પણ માતાજીનાં દર્શનાર્થે પહોંચ્યા હતા.પાવાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓ સુચારુ રીતે દર્શન કરી શકે તે માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, માતાજીનાં દર્શનાર્થે આવતા ભક્તો પોતાની સાથે સુખડીનો પ્રસાદ પણ લઈ જઈ શકે તે માટે યોગ્ય માત્રામાં સુખડીના પ્રસાદનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, સુરક્ષાની દૃષ્ટિએ પંચમહાલ પોલીસ દ્વારા મંદિર ટ્રસ્ટ સાથે સંકલન કરીને યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેને લઇને કોઈપણ અનિચ્છનીય ઘટના બનતી અટકાવી શકાય.
Reporter: