વડોદરા: મુજમહુડા વિસ્તારમાં આજે બપોરે એક કાર ડિવાઇડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. કારે અન્ય પાંચથી છ વાહનોને પણ ટક્કર મારી હતી.
અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થતા તેની પત્ની તેને લઇને સ્થળ પરથી રવાના થઇ ગઇ હતી. કારમાંથી દારુ ની બોટલ પણ મળી આવતા જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રવિવાર બપોરે મુજમહુડા સર્કલથી અક્ષર ચોક તરફ જતા કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઇડ પર પાર્ક કરેલી અન્ય કારને અથડાઇ હતી. ત્યારબાદ પણ કાર ઉભી રહી નહતી અને અન્ય ચારથી પાંચ વાહનોને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ડિવાઇડર પર ચઢીને ધડાકાભેર ઉભી રહી ગઇ હતી. કારમાં સવાર દંપતી પૈકી કાર ચલાવતા પતિને ઇજા થતા પત્ની તેને લઇને સારવાર માટે અન્ય વાહનમાં રવાના થઇ ગઇ હતી.
અકસ્માતના પગલે લોકો ટોળે વળ્યા હતા. લોકોએ એવી શંકા વ્યક્ત કરી હતી કે, કાર ચાલક નશાની હાલતમાં હતો.બનાવની જાણ જે.પી.રોડ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ, કાર ચાલકનો કોઇ પત્તો લાગ્યો નહતો. કારમાંથી દારૃની બોટલ મળી આવી હતી. જે કબજે લઇ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે માલિકની શોધખોળ હાથ ધરી છે. ઇજાગ્રસ્તને કઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે ? તેની પણ માહિતી હજી પોલીસને મળી નથી.
Reporter: admin