ભાર્ગવ ભટ્ટ-ડૉ. વિજય શાહ-રંજનબેન-સુનિલ સોલંકી- શબ્દ શરણ બ્રહ્મભટ્ટ ગૃપમાં સોંપો..
સાંસદ હેમાંગ જોશીને યુવા મોરચામાં જવાબદારી મળી છે. એમને પ્રદેશ કક્ષાની જવાબદારી આપીને સંગઠને તેમનું સાચુ ઠેકાણું બતાવી દીધુ છે.પ્રદેશ કક્ષાના સંગઠનના હોદ્દેદારો એમને કંટ્રોલ કરશે. ખરેખર તો એ સાંસદ હોવાથી એમને કેન્દ્ર લેવલની જવાબદારી મળવી જોઈએ.એને બદલે પ્રદેશ કક્ષાએ એમને વ્યસ્ત રાખવાની સંગઠનની ગોઠવણ લાગે છે.

યુવા મોરચાની જવાબદારી શું ? રેલીઓ કાઢવાની. સાયકલ રેલી- બાઈક રેલી વિ.યુવા કાર્યકર્તા ભેગા કરવાના.ચાર રસ્તા ઉપર ફટાકડા ફોડવાના. કેન્દ્રમાંથી કોઈ મહેમાનો આવે ત્યારે કાર્યકર્તાઓને ભેગા કરવાના..
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી દ્વારા પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ વડોદરાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પ્રદેશ પ્રમુખે પોતાનું માળખું જાહેર કર્યું છે, જેમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.નોંધપાત્ર બાબત એ છે કે આ માળખામાં વડોદરાના ઘણા “વુડ બી” (WOULD BE) નેતાઓને સંપૂર્ણપણે બહાર રાખવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં અસંતોષ અને ચર્ચા તેજ બની છે. વડોદરા એક સમયે ગુજરાતના રાજકારણનું હબ ગણાતું હતું, જ્યાં મકરંદ દેસાઈથી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દિગ્ગજ નેતાઓએ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પરંતુ હાલ વડોદરા મહાનગર ભાજપ આંતરિક જૂથવાદ અને ભ્રષ્ટાચારને કારણે પ્રદેશ અને કેન્દ્ર સ્તરે નારાજગીનું કારણ બન્યું છે.પ્રદેશ સંગઠનમાં કોઈપણ પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ, પૂર્વ શહેર પ્રમુખ કે પૂર્વ મંત્રીનું નામ જોવા મળતું નથી. અગાઉ પ્રદેશ સ્તરે કાર્ય કરી ચૂકેલા નેતાઓને પણ બાકાત રાખવામાં આવ્યા છે. વડોદરાના આંતરિક જૂથવાદ અને નારાજગી હવે પ્રદેશ અને કેન્દ્ર સુધી પહોંચી ગઈ છે. વડોદરામાં શહેરના વિકાસ કરતાં વ્યક્તિગત વિકાસને પ્રાધાન્ય અપાયું છે, જેના કારણે ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આવા તમામ નેતાઓની ફાઈલો કેન્દ્ર સુધી પહોંચી ગઈ છે.
આ ઉપરાંત, પ્રદેશ પ્રમુખે કોઈપણ લોબી વગર પોતાની પસંદગીના લોકોને વિવિધ પદો પર ગોઠવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
હોદ્દાખોરીથી નારાજ પ્રદેશ સંગઠન, વડોદરાને સ્પષ્ટ સંદેશ
વડોદરા ભાજપના કાર્યકર્તાઓની વાતને પ્રદેશ સંગઠને ગંભીરતાપૂર્વક સ્વીકારી છે. આખા ગુજરાતમાં વડોદરા મહાનગર એવું શહેર છે, જ્યાં સતત હોદ્દાઓ માટે આંતરિક લડાઈ ચાલતી રહે છે. એક હોદ્દો નહીં મળે તો બીજાની માંગ – એવી ફરિયાદો પ્રદેશ અને કેન્દ્ર સુધી પહોંચતી રહી છે. આ વખતે પ્રદેશ સંગઠને આવા વલણને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.મધ્ય ગુજરાત અગાઉ પ્રદેશ મહામંત્રીનું હબ ગણાતું હતું. સ્વ. નવીન ભટ્ટ, બાલુ શુક્લા, ભાર્ગવ ભટ્ટ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ જેવા દિગ્ગજ નેતાઓ આ પદ પર રહી ચૂક્યા છે. પરંતુ આ પૈકી કોઈએ સંગઠન મજબૂત બનાવવાનો સાચો પ્રયાસ કર્યો નથી. કેટલાક નેતાઓ પર સંગઠનની સત્તા માટે સોદાબાજી કરવાના આરોપો પણ થયા છે.આ વખતે પ્રદેશ સંગઠને કડક અને બોલ્ડ નિર્ણય લીધો છે. હાલમાં સંગઠનમાં કાર્યરત નેતાઓએ ચેતવાની જરૂર છે. જો સંગઠન મજબૂત નહીં બનાવાય અને નિષ્પક્ષ નેતાગીરી ઊભી નહીં થાય, તો આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી થાય તો નવાઈ નહીં.
વડોદરા નેતાગીરીથી નારાજ વડાપ્રધાન?
વડોદરા શહેરના નેતાઓ અંગેની ચર્ચા પ્રદેશથી લઈ દિલ્હી સુધી પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી કોર્પોરેશન, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી દરમિયાન વડોદરા આવીને ઉમેદવારો માટે પ્રચાર કરતા રહ્યા છે. પરંતુ આ વખતે તેઓ વડોદરાથી નારાજ હોવાનું ચર્ચાય છે. જેના કારણે લોકસભાની ચૂંટણી દરમિયાન તેઓ વડોદરામાં પ્રચાર માટે આવ્યા નહોતા. આ બાબતે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
કોર્પોરેશન ચૂંટણીમાં પણ કાયમની ‘સાફસફાઈ’ની શક્યતા
વડોદરા મહાનગરપાલિકાનું હાલનું બોર્ડ પણ પ્રદેશ સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે. આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ કોર્પોરેટરોને બદલી દેવામાં આવે તો નવાઈ નહીં. છેલ્લા 25 વર્ષમાં સૌથી વધુ વિવાદાસ્પદ બોર્ડ તરીકે આ બોર્ડ ઓળખાય છે. કોરોના કાળ, પૂર, નેતાઓના ઘેરાવ, કૌભાંડો સહિત અનેક મુદ્દાઓને કારણે આ બોર્ડ સતત ચર્ચામાં રહ્યું છે.
સાંસદને યુવા મોરચાની કમાન, ગુજરાતમાં પ્રથમવાર
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે લોકસભાના સાંસદને યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ચર્ચા એવી છે કે એસઆઈઆરની કામગીરી નબળી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે આ પદ સંપૂર્ણપણે ડિઝર્વિંગ ઉમેદવારને મળવું જોઈતું હતું.પ્રદેશ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો. પ્રસાદ કોરાડ હવે પ્રદેશ મહામંત્રી તરીકે કાર્ય સંભાળશે. ડો. હેમાંગ જોષી મૂળ પોરબંદરના વતની હોવાથી વડોદરા માટે “આયાતી ઉમેદવાર” તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. જોકે, વડોદરાની ભૂમિકા અને સામાજિક સંતુલન માટે તેમનું નામ પસંદ કરાયું હોવાનું કહેવામાં આવે છે.
સ્થાનિક નેતાઓ બાકાત, આયાતી નેતાગીરી પર ભાર
વડોદરા ભાજપમાં ક્યારેક ખુશી તો ક્યારેક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરામાં કોઈ એવો નેતા નથી કે જે નિષ્પક્ષ રીતે સંગઠન ચલાવી શકે – એવી છબી ઊભી થઈ છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ વડોદરાના સ્થાનિક ન હોવા છતાં ડો. હેમાંગ જોષીને ટિકિટ આપવામાં આવી હતી, જેના કારણે ચર્ચા ઊઠી હતી.શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ વડોદરામાંથી કોઈ યોગ્ય નેતા ન મળતાં પાટણના ડો. જયપ્રકાશ સોનીને જવાબદારી સોંપવામાં આવી હતી. પાર્ટી અંદરની ચર્ચાઓ મુજબ, ભ્રષ્ટાચાર અને આંતરિક જૂથવાદને કારણે મૂળ વડોદરાના નેતાઓને બાકાત રાખવામાં આવ્યા છે.
30 વર્ષનું શાસન, છતાં વડોદરા પાછળ
વડોદરામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. મહાનગરપાલિકામાં સત્તા હોવા છતાં આજે પણ શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. હોદ્દો મેળવનારા નેતાઓ શહેરના વિકાસ કરતાં પોતાનો વિકાસ કરતા હોવાનો આક્ષેપ જાહેરમાં ચર્ચાઈ રહ્યો છે. અમદાવાદ, સુરત અને રાજકોટની સરખામણીમાં વડોદરા પાછળ રહી ગયું છે, જેના કારણે આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.સંગઠનમાં દાવેદારી કરનારા નેતાઓમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી, જિતેન્દ્રભાઈ સુખડિયા, સીમાબેન મોહિલે, રંજનબેન ભટ્ટ, જયાબેન ઠક્કર, ડો. વિજય શાહ, ભાર્ગવ ભટ્ટ, ભરત ડાંગર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભુપેન્દ્ર લાખાવાલા અને પરાક્રમસિંહ જાડેજાના નામો ચર્ચાઈ રહ્યા હતા.
Reporter:







