વડોદરા: શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા સમાપ્ત થયા બાદ રથયાત્રાના રૂટ પર કોર્પોરેશનના સફાઈ સેવકો દ્વારા સફાઈ કામગીરી કરીને પ્લાસ્ટિક સહિતનો ઘન કચરો ઉપરાંત ફૂલો તેમજ ઓર્ગેનિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
આવો આશરે 1.2 મેટ્રિક ટન કિલો કચરો એકત્રિત કરી અને તેને ઓર્ગેનિક ખાતર બનાવવા માટે મોકલી દેવામાં આવ્યો હતો.આ ઉપરાંત પ્લાસ્ટિક સહિતનો કુલ 3.5 મેટ્રિક ટન કચરો એકઠો કરવામાં આવ્યો હતો. ફૂલો અને ઓર્ગેનિક કચરાને સેન્દ્રીય ખાતર બનાવવાની સખીમંડળની બહેનો દ્વારા મસીયા તળાવ ખાતે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, ત્યાં મોકલી દેવામાં આવ્યો છે. આ કચરામાં ફૂલોની સાથે સાથે કેળાની છાલો વધુ હતી.
ગઈકાલે પ્રસાદ વિતરણમાં શીરાની સાથે સાથે પ્રસાદમાં કેળા પણ અપાયા હતા. 1.2 મેટ્રિક ટન કચરામાંથી આશરે 120 કિલો સેન્દ્રીય ખાતર તૈયાર થાય છે. આ ખાતર બનતા આશરે 15 દિવસનો સમય લાગે છે, જ્યારે પ્લાસ્ટિક સહિતનો જે ઘન કચરો ભેગો કરવામાં આવ્યો હતો, તેમાં પ્લાસ્ટિકની પાણીની બોટલોનો કચરો વધુ હતો. પ્લાસ્ટિકનો કચરો કોર્પોરેશનના પ્લાન્ટ પર મોકલી દેવામાં આવ્યો છે પ્લાસ્ટિકના કચરામાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે.
Reporter: admin