વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી રહ્યો છે. મોડી રાત્રે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપા દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ કોઇ અજાણ્યા લોકો દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનામાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
જોકે, હોર્ડિંગ્સ ફાડી નાખવા બાબતે કૃણાલભાઇ અશોકભાઇ પટેલ દ્વારા વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અંગે ડીવાયએસપી અશોક પટેલે જણાવ્યું હતું કે, પોલીસે ફરિયાદના આધારે હોર્ડિંગ્સ ફાડી નાખનાર 5 વ્યક્તિઓની સીસીટીવી ફૂટેજના આધારે અલવા ગામના 2 અને નર્મદપુર ગામના 3 યુવાનોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મયુરકુમાર હરમનભાઈ જાદવ (રહે. નર્મદપુરા ), મિતેશકુમાર બળદેવભાઈ વાળંદ,( રહે. નર્મદપુરા), . ધર્મેન્દ્રકુમાર નારણભાઈ ગોહિલ ( રહે. નર્મદપુરા), ભૌતિકકુમાર અમરસિંહ મકવાણા (રહે. અલવા ) અને મનોજકુમાર મુકેશભાઇ પરમાર (રહે. અલવા)નો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ વાઘોડિયા વિધાનસભામાં પેટા ચૂંટણી છે. વાઘોડિયા મત વિસ્તારનો વડોદરા લોકસભામાં સમાવેશ થાય છે ત્યારે ભાજપા દ્વારા વાઘોડિયા તાલુકાના અલવા, ગુલાબપુરા, નર્મદપુરા, આમોદર અને પિપળીયા ગામોમાં વડોદરા લોકસભાના ઉમેદવાર હેમાંગ જોષી અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ધર્મેન્દ્રસિહ વાઘેલાના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. જોકે, મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા હોર્ડિંગ્સો ફાડી નાખવામાં આવતા ચકચાર મચી ગઇ હતી.
અત્રે નોધનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિહ વાઘેલા અપક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તે બાદ તેઓએ અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપામાં જોડાયા હતા અને હાલ તેઓ પુનઃ ભાજપાની ટિકીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે. જોકે, આ બેઠક ઉપર ભાજપા વિરુદ્ધ લોકોનો ભારે રોષ દેખાતા ભાજપામાં ચિંતા જોવા મળી રહી છે.
Reporter: News Plus