વાઘોડિયા તાલુકામાં ઝઘડો થયા બાદ રીસાઇને પિયર ચાલી ગયેલી પત્નીને લેવા માટે પતિ સાસરીમાં ગયો હતો. પરંતુ, સસરાએ દીકરીને મોકલવાનો ઇન્કાર કરી દેતા રોષે ભરાયેલા જમાઇએ મોડી રાત્રે નિદ્રાધીન સસરાના માથામાં લાકડાનો ફાચરો મારી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, જિલ્લાના વાઘોડિયા તાલુકાના રામેશ્વરપુરા ગામે રહેતા 60 વર્ષિય વાલસિંગભાઈ રાલુભાઈ નાયક (બારીયા) 6 સંતાનો પૈકી દીકરી સંગીતાબેનનુ લગ્ન વાઘોડીયા તાલુકાના તામસીપુરા વસાહતમાં રહેતા ગંગારામભાઈ ઝાંઝડભાઈ બારીયાની સાથે 14 વર્ષ પહેલા થયુ હતુ. સંગીતાને તેના પતિ સાથે ઝગડો થતા તેના છોકરા સાથે છેલ્લા પંદર દિવસથી રામેશ્વર પુરા પિતાના ઘરે રહેતી હતી. તેના પતિ ગંગારામ પણ છેલ્લા બે દિવસથી ઘરે આવી રહેતો હતો.
દરમિયાન તા. 30 એપ્રિલે રાત્રિના આઠેક વાગ્યે ઘરના સભ્યો જમવા બેઠા હતા. તે વખતે ગંગારામ કહેવા લાગ્યો કે, સંગીતાને તમારા ઘરે વધારે સમય થઈ ગયો છે, તેને હવે મારી સાથે મોકલો. તેવુ કહેતા સસરાએ તેને ઠપકો આપી કહ્યુ કે, તમે મારી દીકરીની સાથે અવારનવાર ઝગડો કરો છો અને તેને ઘરમાંથી કાઢી મૂકો છો, જેથી હવે તેને મોકલવી નથી. તેવુ કહી બધા જમી રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે સુવા જતા રહ્યા હતા.
સસરા વાલસિંગભાઈ ઘર બહાર ખાટલામાં સૂઈ ગયા હતા. મોડીરાતે એક વાગ્યાના સુમારે વાલસિંગભાઈની બુમાબુમથી બધા જાગી ગયા અને બધા ધાબા પરથી નીચે ઉતરીને જોતા ગંગારામ તેના સસરાને બાવળીયાના ફાચરાવડે માથામાં મારતો હતો. દીકરી છોડાવા પડતા તેને પણ મારવા દોડી આવતા તે ત્યાંથી ભાગી ઘરમાં આવી ગઇ હતી. અન્ય પરિવારના સભ્યોને જગાડી બાપાને ગંગારામ મારે છે, તેવું કહેતા પરિવાર દોડી આવતા જમાઈ ગંગારામ ભાગી ગયો હતો. વાલસીંગ ભાઈને માથામાં, મોઢામાં, છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહિલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ બોલાવી પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
Reporter: News Plus