સગીરની ભૂલે હસતા ખેલતા પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધો 80 દિવસ બાદ પણ યુવતીની હાલત હજુ નાજુક વડોદરામાં રહી એલએલબીનો અભ્યાસ કરતી એક યુવતીને 80 દિવસ પહેલા એક અકસ્માત નડ્યો.આ અકસ્માત એટલો ગંભીર હતો કે યુવતી હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
અકસ્માત સર્જનાર સગીર હોવાના કારણે પોલીસે જુવેનાઇલ કાયદા મુજબ તેને માત્ર નોટિસ આપીને છોડી દીધો પરંતુ યુવતીનો પરિવાર હાલ પોતાની દીકરી સાજી ક્યારે થશે અને પરિજનોને ક્યારે ઓળખશે તેની આશ લગાવીને બેઠો છે. સાંપ્રત સમયમાં નાની વયના બાળકો માટે આધુનિક બાઈક લઇ ફરવું એ ફેશન થઇ ગયું છે. વડોદરાના રાજમાર્ગો આ બાઈકર્સ માટે રેસના ટ્રેક બની ગયા છે. અને તેઓની આ રેસ કેટલાય માટે જોખમી સાબિત થાય છે. આવો જ એક બનાવ માર્ચ મહિનામાં બન્યો હતો.વડોદરામાં રહી એલએલબીનો અભ્યાસ કરતી નેન્સી બાવીશી 7 માર્ચના રોજ અલકાપુરી વિસ્તારમાં એક સપોર્ટ બાઇકના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નેન્સીની જ્યુપિટર સ્કૂટર અડધેથી ટુકડા થઇ ગયું હતું. અકસ્માત સર્જનાર ખાનદાની નબીરો તો ત્યાંથી ભાગી ગયો પરંતુ નેન્સીને ગંભીર ઈજાઓ પહોંચી. પ્રાથમિક તબક્કે એમ લાગતું હતું કે નેન્સીને માત્ર પગમાં ફ્રેક્ચર છે પરંતુ ત્યાર બાદ માલુમ પડ્યું કે તેણીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ સુધીમાં નેન્સીના માથાના 5 ઓપરેશન કરવામાં આવ્યા છે. અને હજુ પણ તે પુરેપુરી સભાન અવસ્થામાં નથી આવી. તેનો પરિવાર હાલ સુધીમાં 35 થી 40 લાખ ખર્ચ કરી ચુક્યો છે. અને ડોક્ટરના કહેવા અનુસાર રિકવરી આવતા હજુ એક વર્ષ પણ નીકળી શકે છે.
પરિવાર એક તરફ આર્થિક દ્રષ્ટિએ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે સરકાર પાસે પણ તે મદદ માંગી રહ્યો છે.તો બીજી તરફ આ મામલામાં પોલીસની ભૂમિકા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસે સગીર ને બોલાવી તેને નોટિસ આપી છોડી મુકવામાં આવ્યો. જુવેનાઇલ કાયદા મુજબ તેને માત્ર નોટિસ આપવામાં આવી. જો કે તેના પિતા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.પોલીસ આ અકસ્માતને માત્ર એક સામાન્ય અકસ્માત ગણીને તેને તે જ રીતે કાર્યવાહી કરવા માંગે છે પરંતુ નેન્સીની હાલત જોઈને તેઓને એમ પણ ન થયું કે સગીર વિરુદ્ધ આર.ટી.ઓ કાર્યવાહી કે અન્ય કોઈ કાર્યવાહી કરવી જોઈ.જેથી આગામી સમયમાં સગીરને લાયસન્સ પણ ન મળે.બેફામ રીતે અન્ય માટે જીવનું જોખમ ઉભું કરતા આવા સગીરો પર માં-બાપ તો લગામ નથી લગાવતા પરંતુ કમ સે કમ ન્યાય તંત્ર તો લગામ લગાવી શકે ને.જયારે આ મામલો વધુ ઉછાળ્યો ત્યારે ગઈ-કાલની તારીખમાં તેના પિતા સામે સેક્શન એડિફિકેશનનો રિપોર્ટ કરવામાં આવ્યો છે.ત્યારે પોલીસ દ્વારા જ જો આવા લોકોને છાવરવામાં આવશે તો શહેરમાં અકસ્માતોની વધુ ભરમાળ જોવા મળશે.
Reporter: News Plus