અમરાવતી: આંધ્ર પ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરના પ્રસાદના લાડવામાં પશુ ચરબીના વિવાદ વચ્ચે હવે પ્રસાદમાં કીડા મળ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
મંદિરમાં બપોરનું ભોજન પિરસાઇ રહ્યું હતું ત્યારે દહીં ચોખામાં કાનખજૂરો મળ્યો હોવાનો દાવો ભક્તે કર્યો હતો.જોકે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)એ ભક્તના આ દાવાને નકાર્યો હતો અને આવુ કઇ ના થયું હોવાનો દાવો કર્યો હતો. મંદિરે દર્શન કરવા માટે બારંગલથી તિરુપતિ આવનારા ભક્ત ચંદુએ કહ્યું હતું કે મને પિરસવામાં આવેલા પ્રસાદમાં કિડા હોવાની જાણકારી મે જ્યારે મંદિર સંચાલકોને કરી તો તેમણે વિચિત્ર જવાબ આપ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે આવુ ક્યારેક થઇ જતું હોય છે. મંદિરે દર્શન કરવા આવેલા ચંદુએ દાવો કર્યો હતો કે દહીં ચોખામાં કાનખજૂરો મળ્યો હોવાના પુરાવા તરીકે મારી સાથે વીડિયો અને તસવીરો છે. જે સાથે મે મંદિરના અધિકારીઓનો પણ સંપર્ક કર્યો હતો.
જોકે તેઓએ આ મામલાને ગંભીરતાથી લેવાનું ટાળ્યું અને મને જ ડરાવવા ધમકાવવા લાગ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે પ્રસાદ પિરસવા માટે ઉપયોગમાં લેવાતા પાંદડામાં કિડા આવી ગયા હશે. તેમણે કહ્યું હતું કે હવે સવાલ એ થાય છે કે બાળક કે કોઇ પણ અન્ય આવો પ્રસાદ ખાય અને તેમને કઇ થાય તો તેના માટે જવાબદાર કોણ? જોકે મંદિર સંચાલકોનો દાવો છે કે આ પ્રસાદમાં કિડા વગેરે નિકળ્યા હોવાના દાવા કરીને ભગવાન વેંકટેશ્વરમાં લોકોની જે શ્રદ્ધા છે તેને ભટકાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અગાઉ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે લાડવામાં વપરાયેલા ઘીમાં પશુ ચરબી હોવાનું લેબ રિપોર્ટમાં સામે આવ્યું છે. હાલ આ મામલો સુપ્રીમમાં ચાલી રહ્યો છે.
Reporter: admin