News Portal...

Breaking News :

સામાન ફેંકી દેવાના આક્ષેપો વચ્ચે વેપારી રસ્તા પર સૂઈ કર્યો વિરોધ ,કમાટીબાગ વિસ્તારમાં ગરમાવો

2025-10-04 10:10:13
સામાન ફેંકી દેવાના આક્ષેપો વચ્ચે વેપારી રસ્તા પર સૂઈ કર્યો વિરોધ ,કમાટીબાગ વિસ્તારમાં ગરમાવો


વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવતી કાર્યવાહી — નાના વેપારીઓનો આક્રોશ ફાટી નીકળ્યો




છૂટક વેપારીઓએ તંત્ર સામે આક્ષેપ કર્યો — મોટા બિલ્ડરોને છોડીને નાના વેપારીઓ પર જ તંત્ર તવાઈ વરસાવે છે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત શહેરમાંથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજરોજ કમાટીબાગ ગેટ નં. બેની બહાર દબાણ હટાવવાની ટીમ પહોંચી હતી ત્યારે ત્યાં છૂટક વ્યવસાય કરતાં વેપારીઓ અને પાલિકાના દમણ શાખાના કર્મચારીઓ વચ્ચે રકઝક સર્જાઈ હતી. વેપારીઓનો આક્ષેપ હતો કે, દબાણ હટાવતી ટીમે સામાન ફેંકી દીધો હતો અને કોઈ પ્રકારની પૂર્વ જાણ કે તક આપ્યા વિના સામાનને વેરવિખેર કર્યો હતો. જેના કારણે વેપારીઓ ભારે આક્રોશિત થયા હતા. એક વેપારી તો વિરોધ સ્વરૂપ રસ્તા પર સૂઈ ગયો હતો, જેથી સ્થળ પર હંગામા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વેપારીઓએ ખુલ્લેઆમ તંત્ર સામે સવાલો ઊઠાવ્યા હતા કે મોટા માથાવાળા બિલ્ડરોના દબાણો સામે કાર્યવાહી કેમ થતી નથી, જ્યારે નાના વેપારીઓ જ રોજગારી માટે ધંધો કરતા હોય તેમને જ વારંવાર નિશાન બનાવવામાં આવે છે. વેપારીઓએ વધુમાં જણાવ્યું કે, તેઓ નાનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને આવું દબાણ હટાવાનું કામ તેમને રોજીરોટીથી વંચિત કરવાનું છે. બીજી તરફ પાલિકાની દમણ શાખાની ટીમે પોતાના કામને નિયમિત કામગીરી ગણાવી હતી. પરંતુ વેપારીઓનો આક્રોશ વધતા સમગ્ર મામલો ગરમાયો હતો.



પાલિકાની કાર્યવાહી સામે વેપારીઓના સવાલો
દબાણ હટાવાની કામગીરી તંત્ર દ્વારા સમાન રીતે કરવામાં આવતી નથી. તેઓએ જણાવ્યું કે, મોટા વેપારીઓ અને બિલ્ડરોના દબાણો સામે તંત્ર આંખ આડા કાન કરે છે, જ્યારે રોજિંદી ગુજરાન ચલાવતા નાના વેપારીઓના સામાનને જબરદસ્તી ફેંકી દેવામાં આવે છે. સ્થળ પર લોકો એકત્ર થતા તણાવજનક સ્થિતિ ઉભી થઈ હતી. વેપારીઓએ ચેતવણી આપી છે કે, જો આવનારા દિવસોમાં ન્યાય નહીં મળે તો તેઓ મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મોટું આંદોલન કરશે.

Reporter: admin

Related Post