રાજકોટ: સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે મુખ્યત્વે ઉપયોગમાં લેવાતી વ્હેલ માછલીની ઉલ્ટી કે જે એમ્બરગ્રીસ તરીકે ઓળખાય છે તેના જથ્થા સાથે રાજકોટમાં એસઓજીએ વિરમ મનજીભાઈ બાવળિયા (ઉ.વ. 27, રહે. કરિયાણા તા. બાબરા)ની અટકાયત કરી છે.
તેની પાસેથી રૂા. 49.80 લાખની કિમતનો 498 ગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબજે કર્યો છે.રાજકોટમાં પહેલી વખત એમ્બરગ્રીસનો જથ્થો પકડાયો છે. SOGના પીઆઈ જાડેજાએ મળેલી બાતમીના આધારે ગઇકાલે મોડી સાંજે આજી ડેમ ચોકડી નજીકના સિટી બસ સ્ટોપ પાસે ઉભેલા વિરમની અટકાયત કરી તેની પાસે રહેલી કપડાની થેલી ચેક કરતાં તેમાંથી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાં એમ્બરગ્રીસ હતું. તેની ખાતરી કરવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને એફએસએલના અધિકારીઓને બોલાવી લીધા હતાં.
જેમણે તપાસ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ એમ્બરગ્રીસ હોવાનું સ્પષ્ટ થયું હતું.એસઓજીએ વિરમની બીએનએસની કલમ 35 (1) (E) મુજબ અટકાયત કરી હતી. જ્યારે તેની પાસે રહેલું એમ્બરગ્રીસ BNSની કલમ 106 મુજબ કબજે કર્યું હતું. એમ્બરગ્રીસની ખાસિયત હોય છે કે તે પાણીમાં નાખો તો ડૂબતું નથી અને તરવા લાગે છે. જો તેમાં આગ લગાડી તો મીણની જેમ ઓગળી જાય છે. એટલું જ નહી તેમાંથી સુગંધ આવતી હોય છે. આ તમામ લક્ષણો જણાયા હતા. તેના આધારે એસઓજીએ આગળની કાર્યવાહી કરી હતી.
Reporter: admin







