News Portal...

Breaking News :

માતૃ સંસ્થાને બચાવવા પૂર્વ વિદ્યાર્થીઓ મેદાને

2024-06-17 17:18:55
માતૃ સંસ્થાને બચાવવા પૂર્વ વિદ્યાર્થીઓ મેદાને


પ્રજા વત્સલ સયાજીરાવ મહારાજે વડોદરાના વિદ્યાર્થીઓને ઉચ્ચ ભણતર માટે એમ એસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.પણ રાજ્યની ભાજપ સરકારે કોમન એક્ટના મથાળા હેઠળ એમ એસ યુનિવર્સિટીની સ્વયત્તતા પર તરાપ મારી દીધી છે.


સ્થિતિ એવી છે કે, ઈતિહાસમાં પહેલી વખત વડોદરાના 5000થી વધારે વિદ્યાર્થીઓને એમ એસ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યુ નથી અને હવે એમને ડોનેશન આપીને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવાની ફરજ પડી છે. વડોદરા શહેરના વિદ્યાર્થીઓને થયેલા અન્યાયના વિરોધમાં હવે, એમએસયુના પૂર્વ વિદ્યાર્થીઓ મેદાન પડ્યાં છે. અને આપણી એમએસયુને સરકારના પંજામાંથી મુક્ત કરાવવા નિર્ણાયક આંદોલન શરુ કરવાની તૈયારી કરી છે.એમ એસ યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશનમાં પ્રાયોરિટી મળે તેવી માંગણી સાથે ગઈકાલે કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પર પૂર્વ વિદ્યાર્થી નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલનના મંડાણ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત, ફાઈટ ફોર એમએસયુ નામનુ વોટ્સએપ ગૃપ બનાવીને એમાં વડોદરાની પ્રજાને જોડવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. એટલુ જ નહીં વાઈસ ચાન્સેલરનો ઘેરાવ કરવાની યોજના પણ બનાવાઈ હતી.


વિદ્યાર્થી આંદોલન શરુ થવાના એંધાણ વર્તાતા પોલીસે એમ એસ યુનિવર્સિટીને પોલીસ છાવણીમાં ફેરવી દીધુ હતુ. આજે યુનિવર્સિટી સંકુલમાં એક એસીપી કક્ષાના અધિકારી, બે પીઆઈ, ત્રણ પીએસઆઈ અને દસ હેડ કોન્સ્ટેબલોની ટીમને તૈનાત કરી દેવામાં આવી હતી. બીજી તરફ વિદ્યાર્થી નેતાઓએ એમ એસ યુનિવર્સિટીની સ્વાયત્તતાના મામલે આશ્ચર્યજનક કાર્યક્રમો કરવા માટેની યોજનાઓ શરૂ કરી દીધી હતી. આજે ફાઈટ ફોર એમએસયુ નામના વોટ્સએપ ગૃપમાં આંદોલન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં અનેક લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આખાય આંદોલનમાં નિર્ણાયક ભૂમિકા વડોદરાની જનતા જ ભજવશે. જો, વડોદરાના લોકો એકઠાં થઈને એમ એસ યુનિવર્સિટીને કોમન એક્ટના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે લડત શરૂ કરશે તો સરકારને પણ ઝૂકવુ પડશે તેવુ વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યુ હતુ. આજે એસયુસીઆઈ દ્વારા માનવ સાંકળ રચીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Reporter: News Plus

Related Post