News Portal...

Breaking News :

વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં પ્રજાનાં 100 કરોડનું ધોવાણ, યોગ્ય કામગીરી જ ના થઇ હોવાનો સ્વેજલ વ્યાસનો આરોપ

2025-06-08 12:36:45
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં પ્રજાનાં 100 કરોડનું ધોવાણ, યોગ્ય  કામગીરી જ ના થઇ હોવાનો સ્વેજલ વ્યાસનો આરોપ


જ્યાંથી પૂરના પાણી શહેરમાં પ્રવેશે છે તેવા નદીના ભાગો અને આંતરીક વિસ્તારમાં તો કોઇ જ કામગીરી કરાઇ નથી 

આ વખતે જો ફરી હોદ્દેદારોની ભૂલોને કારણે જો પૂર આવશે અને લોકોના ઘરમાં જો પાણી ભરાશે તો ભડકેલા લોકો હાથમાં છત્રીને બદલે ધોકા લઈને નેતાઓનાં ઘર ભણી નીકળશે એ વાત નક્કી છે...



તંત્રની જો ચૂક જણાશે તો સ્વેજલ વ્યાસ પાલિકાનાં હોદ્દેદારોને હાઇકોર્ટ બતાવશે..
શહેરીજનોને આગામી ચોમાસામાં વિશ્વામિત્રીના પૂરથી બચાવવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટની લોલીપોપ આપી દીધા બાદ કોર્પોરેશનના અધિકારીઓ અને શાસક પક્ષે જાણે કે હાથ અદ્ધર કરી દીધા છે. 90 ટકા કામ થઇ ગયું છે તેવી અધિકારીઓ અને મેયર ચેરમેન દ્વારા મોટા મોટા દાવા કરાઇ રહ્યા છે પણ સામાન્ય નાગરીક જ્યારે વિશ્વામિત્રીના કિનારે પહોંચે છે ત્યારે તેને કોઇ જ પ્રકારનું કામ થયું જણાતું નથી અને તેથી જ શહેરના પ્રશ્નોને વારંવાર ઉઠાવતા સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટની નિષ્ફળતા પર અવાજ ઉઠાવ્યો છે. સ્વેજલ વ્યાસે કહ્યું હતું કે હાલની સ્થિતી એવી છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નદીની બે બાજુએ કામ થયું જ નથી. એક તરફના ભાગે જ કામ થયું છે અને તેમાં પણ ચોક્કસ જગ્યાઓ પર જ કામગીરી થઇ છે. જ્યાંથી શહેરમાં પૂરના પાણી પ્રવેશે છે તેવા નદીના ટર્નિંગ પોઇન્ટો પર કોઇ જ પ્રકારની કામગીરી કરાઇ નથી. બ્રિજની આસપાસના વિસ્તારમાં જ કામગીરી કરીને જે નેતાઓ શહેરમાં આવે છે તેમને બતાવવા લઇ જવાય છે. સ્વેજલ વ્યાસે કહ્યું કે ચોમાસા પહેલા સમય મર્યાદામાં 100 ટકા કામ પુર્ણ કરવાના દાવા કરાયા હતા.ખરેખર તો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નદીમાં ખોદાણ કરીને પહોળી કરીને માટી ધોવાણ ના થાય તે માટે ચારેબાજુ કાર્પેટ કરીને ઘાસ લગાડવાના હતા પણ કામગીરી આખી નદીના કિનારે ક્યાંય પણ થયેલી નથી. આ અડધો પ્રોજેક્ટ જ થયો છે. કરોડોના બિલો મુકાઇ જશે. સ્વેજલ વ્યાસે વધુમાં કહ્યું કે કોર્પોરેશન દ્વારા કામગીરી થઇ ગઇ હોવાની માત્ર શો બાજી કરવામાં આવે છે. આ માટે હવે મેં આરટીઆઇ કરીને માહિતી માંગી છે અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ અમે જઇશું. આ ઉપરાંત બે દિવસમાં સંપૂર્ણ માહિતી સાથે જિલ્લા કલેક્ટર અને ત્યારબાદ મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆતો કરીશું. અત્યાર સુધી નદીના કિનારાના એ ભાગો કે જ્યાંથી પૂરના પાણી ઘુસ્યા હતા ત્યાં તો કોઇ જ પ્રકારની કામગીરી કરાઇ નથી. હું તો ખરેખર ગયા ચોમાસાથી આની પાછળ લાગેલો છું અને કલેક્ટરને રજૂઆત કરીશ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ખોટી દિશામાં કામ થઇ રહ્યું છે અને પ્રજાના 100 કરોડનું ધોવાણ થઇ ગયું છે. 



100 કરોડ દેખાય છે તમને..?
સ્વેજલ વ્યાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે અવાજ ઉઠાવ્યો છે તો સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ કેમ્પેઇન શરુ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે ચોરી કરવી એ ગુનો નથી પણ ચોરી કરતા પકડાવું ગુનો છે અને ત્યારબાદ વિશ્વામિત્રીના ફોટા પર લખેલું છે કે 100 કરોડ દેખાય છે તમને...? આમ જણાવીને સ્વેજલ વ્યાસે પ્રજાના 100 કરોડનું વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે ઉડાવી દેવાયા હોવાનું લખ્યું છે. સ્વેજ વ્યાસ શહેરની સમસ્યાઓ અવાર નવાર ઉજાગર કરે છે. આ વખતે તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે અવાજ ઉઠાવતા શહેરના નાગરીકો તરફથી પણ તેમને સમર્થન મળી રહ્યું છે. ગયા વર્ષે આવેલા માનવસર્જિત પુરમાં વડોદરાવાસીઓએ ભોગવેલી યાતનાનો વિડીયો સૌથી પહેલો સેજલ વ્યાસે વહેતો કર્યો હતો. જ્યાં વિશ્વામિત્રી નદીના પાણી પહોંચી શકતા નથી તેવી સોસાયટીઓમાં અને રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. કરોડો રૂપિયાને ખર્ચે થયેલી વરસાદી કાંસમાં વિવિધ જગ્યા ઉપર અવરોધ આવ્યા હતા.

વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં માત્ર 40 ટકા કામ થયું છે...
હું સામાજીક કાર્યકર છું. પૂર આવે અને પછી લોકોને દવા કે ભોજન પહોંચાડવું પડે તે પહેલાં જ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું સફળ અમલીકરણ કરાવવા માટે અવાજ ઉઠાવવો તે પણ સામાજીક કાર્યકરની ફરજ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં માત્ર 40 ટકા કામ થયું છે અને હવે ચોમાસુ પણ નજીક છે. જ્યાંથી પૂર આવે છે તે સહિતના નદીના ભાગોમાં કામ જ થયું નથી. બંને ભાગોમાંથી એક તરફના ભાગમાં જ અમુક અંશે કામ થયું છે. હું આ મામલે વિગતો સાથે કલેક્ટર અને મુખ્યમંત્રીને રજૂઆત કરીશ અને હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં પણ જઇશ

સ્વેજલ વ્યાસ, સામાજીક કાર્યકર 

મંગળવારે 100 દિવસ પુરા થશે...
અધિકારીઓ અને મેયર, ચેરમેન, ધારાસભ્યો અને સાંસદે મોટી મોટી વાતો કરી હતી કે 100 દિવસમાં કામ થઇ જશે પણ હજુ માંડ 40 ટકા કામ થયું છે તે હકિકત છે અને હવે આગામી મંગળવારે જ 10 જૂન છે અને દાવા મુજબના 100 દિવસ પુરા થઇ જશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અધૂરી જ રહી છે. એક જગ્યાએ જ કામગીરી કરાઇ છે અને નદીને પહોળી અને ઉંડી કરવાના નામે માત્ર ઝાંડી ઝાંખરા હટાવ્યા પણ નક્કર કામગીરી કરાઇ નથી. હવે આ વર્ષે ન કરે નારાયણ ને વડોદરામાં ફરી માનવસર્જિત પૂર આવ્યું તો તેના માટે જવાબદાર કોણ ?

Reporter: admin

Related Post