News Portal...

Breaking News :

સયાજી હોટલના સંચાલકોને પાલિકા અને પોલીસ તરફથી તમામ પ્રકારની છૂટ

2025-04-27 10:36:27
સયાજી હોટલના સંચાલકોને પાલિકા અને પોલીસ તરફથી તમામ પ્રકારની છૂટ


કાયદાને ઘોળીને પી જતા સયાજી હોટલના સંચાલકો, બ્રિજ ઉપર ગાડીઓનું ગેરકાયદેસર પાર્કીંગ કરીને કાયદાના લીરેલીરા ઉડાવે છે...



વિશ્વામિત્રીનાં તટ ઉપર તાણી દેવાયેલી સયાજી હોટલને કોર્પોરેશને જાણે તમામ ગેરકાયદેસર કામો કરવાની છૂટ આપી દીધી છે. સયાજી હોટલ પાલિકા અને પોલીસના કોઈ જ કાયદાનું પાલન કરતી નથી. સયાજી હોટલની સામેની ફૂટપાથ પણ સયાજી હોટલે ગેરકાયદેસર કબજે કરી લીધી છે, પણ તેને રોકવાની કોઇને પણ હિંમત નથી. શહેરમાં જો ક્યાંય પણ ગેરકાયદેસર ગાડીઓ પાર્ક થઇ હોય તો ટ્રાફિક પોલીસ રઘવાઇ બની જાય છે અને દંડ ફટકારે છે પણ એ જ ટ્રાફિક પોલીસના શૂરા અધિકારીઓને સયાજી હોટલ દ્વારા ફૂટપાથ ઉપર અને બ્રિજ ઉપર ગાડીઓનું ગેરકાયદેસર પાર્કિંગ કરાવાય છે તે દેખાતુ નથી. કોર્પોરેશનના સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ પણ આ ફૂટપાથના ગેરકાયદેસરના કબજા સામે કાળા ચશ્મા પહેરીને બેઠા છે.  સયાજી હોટલમાં સંચાલકોને બોલવાની કોઇનામાં હિંમત નથી. કોર્પોરેશનના શાસકો, અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ સયાજી હોટલ સામે લાચાર બની ગયા છે. સયાજી હોટલ વિશ્વામિત્રીના તટ પર ગેરકાયદેસર દબાણ કરે તો તેને છૂટ છે. સયાજી હોટલ વિશ્વામિત્રી નદીમાં બિન્ધાસ્ત બનીને ડ્રેનેજનું ગંદુ પાણી છોડે તો પણ છૂટ અને હવે ફૂટપાથને પણ ગેરકાયદેસર રીતે કબજે કરીને ત્યાં ગાડીઓ પાર્કીંગ કરાવાની પણ છૂટ નથી. સયાજી હોટલ સામે ફૂટપાથને અડીને ગાડીઓની જે લાંબી લાઇનો જોવા મળે છે જે છેક ભીમનાથ બ્રિજ પર પણ જોવા મળે છે પણ કોઇ માઇનો લાલ આ ગાડીઓ હટાવતો નથી કે હોટલ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરાતી નથી. 


તમામને ખબર છે કે સયાજી હોટલમાં સંચાલકો એક પૂર્વ ડે.મેયર સાથે સાંઠગાંઠ ધરાવતા હતા.જેનું લાંબી માંદગી બાદ મૃત્યુ થયું હતું. ત્યાર પછી પણ સયાજી હોટલના દરેક ગેરકાયદેસર કામો સામે સત્તાધીશો અને ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરી રહ્યા છે. સત્તાધીશો સયાજી હોટેલ સામે કેમ લાચાર હશે તે વડોદરાની પ્રજા ભલે ભોળી હોય પણ તે પણ આ વહિવટને સમજે છે. પૈસા ફેંકો તમાશા દેખો જેવો ઘાટ છે. આ એ જ સયાજી હોટલ છે જે વિશ્વામિત્રીના તટ પર ગેરકાયદેસર તણાયેલી છે અને તે બિન્ધાસ્ત બનીને નદીમાં ગટરનું પાણી છોડે છે છતાં કોર્પોરેશન તેના ઉપર ચાર હાથ રાખે છે.

સામાન્ય નાગરિકોનાં વાહનો ડિટેઇન કરતી ટ્રાફિક પોલીસ ઉંઘે છે.
શહેરમાં તમામ વિસ્તારોમાં કોઇ સામાન્ય માણસ  જો ગેરકાયદેસર પાર્કીંગ કરે તો શૂરા બનાને ટ્રાફિક પોલીસના અધિકારીઓ વાહનો ડિટેઇન કરે છે, ક્રેઇન દ્વારા ઉંચકી જાય છે અને પછી દંડ ફટકારે છે. આ જ શૂરા અધિકારીઓને સયાજી હોટલની બહાર ગેરકાયદેસર પાર્કીંગ દેખાતું નથી. ટ્રાફિક પોલીસનો કોઇ અધિકારી અહીંથી પસાર થાય તો તે ગાડીના કાળા કાચ ચઢાવી દેતા લાગે છે. હવે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મામલે કાર્યવાહી કરવી જરુરી છે.

Reporter: admin

Related Post