News Portal...

Breaking News :

ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ નહીં મળતા કોંગ્રેસનાં તમામ 20 ઉમેદવારી ફોર્મ રદ

2026-04-14 09:43:53
ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ નહીં મળતા કોંગ્રેસનાં તમામ 20 ઉમેદવારી ફોર્મ રદ

આખી પાલિકા બિનહરીફ કબજે કરવા ભાજપની કવાયત



નવસારી: જિલ્લાની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ નહીં હોવાનાં કારણે કોંગ્રેસનાં તમામ 20 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જ્યારે એક અપક્ષનું ફોર્મ રદ થતાં ભાજપ કુલ 24 પૈકી 21 બેઠકો પર બિનહરીફ થઈ છે. આમ કોંગ્રેસે ગણદેવી નગર પાલિકા ગુમાવી દીધી છે. હવે મેદાનમાં 3 ઉમેદવારો છે. સંભવત: ફોર્મ ખેંચવાનાં દિવસે આ ત્રણ સીટ પણ બિન હરીફ કરવાની તૈયારી ભાજપે કરી લીધી છે.ગણદેવી નગરપાલિકાનાં કુલ 6 વોર્ડની 24 બેઠકોની ચૂંટણી માટે ભાજપે 49, કોંગ્રેસે 20 અને અપક્ષો મળી 69 ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ સાથે પક્ષનો મેન્ડેટ નહીં હોવાથી તેને રદ કરાયા હતા. 

જ્યારે એક અપક્ષનું મળીને કુલ 21 ઉમેદવારી ફોર્મ કેન્સલ થયા હતા. જેના પગલે ભાજપે 24 પૈકી 21 બેઠકો બિનહરીફ મેળવી છે. હવે ભાજપનાં 3 ઉમેદવારોએ અપક્ષો સામે ચૂંટણી લડવાની આવી છે.ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવાનાં અંતિમ દિવસે આ 3 ઉમેદવારો પણ બિનહરીફ થાય તેવી ગોઠવણ કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે. હાલ મેદાનમાં વોર્ડ નંબર 1માંથી ભાજપનાં રાજેશભાઈ પટેલ, વોર્ડ નંબર 4માં નિલેશકુમાર શર્મા ઊભા છે. તેમની સામે જયેશભાઈ ઢીમ્મર (અપક્ષ) બંને વોર્ડમાં ઊભા છે. જ્યારે વોર્ડ નંબર 6માં ભાજપનાં કેયુરભાઈ વશી સામે અપક્ષ ઉમેદવાર અશોકભાઈ ઢીમ્મર ઊભા છે.

Reporter: admin

Related Post