મુંબઈ: છગન ભુજબળ સહિતના અજિત પવાર જૂથના દિગ્ગજ નેતાઓની શરદ પવાર સાથે મુલાકાત અને અજિત પવારના શરદ પવાર સાથે ફરી જોડાણની ચર્ચાઓ છે ત્યારે મહાવિકાસ આઘાડીના ભાગ રહેલા વચ્ચે વંચિત બહુજન આઘાડીએ મહાવિકાસ આઘાડી સાથે છેડો ફાડ્યો છે.
એવામાં વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરના નિવેદનને પગલે નવો જ રાજકીય વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રમાં મુખ્યત્વે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે મુકાબલો છે ત્યારે હવે ત્રીજો મોરચો પણ ખુલી શકે તેવો ઇશારો આંબેડકરે આપ્યો હોવાનું તેમના નિવેદન પરથી જણાય છે.વિધાનસભાની ચૂંટણી વિશે સવાલોનો જવાબ આપતા સમયે આંબેડકરે જણાવ્યું હતું કે જ્યાં સુધી અજિત પવાર મહાયુતિની સાથે છે ત્યાં સુધી રાજ્યમાં ત્રીજા મોરચાની શક્યતા નથી, પરંતુ જો તે મહાયુતિમાંથી બહાર પડે તો ત્રીજા મોરચાનો પ્રયોગ કરી શકાય.
આ નિવેદનના પગલે તે અજિત પવાર સાથે મળીને ત્રીજો મોરચો ખોલીને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા માટે તૈયાર હોય તેવું જણાતું હોવાની ચર્ચા ચાલી છે.મરાઠા અનામત મુદ્દે તેમણે કહ્યું હતું કે મરાઠા-ઓબીસી અનામતના મુદ્દાના કારણે પરિસ્થિતિ વણસી છે એ વાત સાચી છે. કોને અનામત આપવું અને નહીં તે સરકારના હાથમાં છે. સરકારે પત્ર લખીને બધા જ રાજકીય પક્ષોને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાનું જણાવ્યું છે, પરંતુ કોઇપણ તે કરવા તૈયાર નથી. બંનેએ મળીને સરકાર સામે લડવું જોઇએ. એકબીજા સાથે લડીને શું મળવાનું છે? રાજકીય પક્ષોએ આ મુદ્દો ચૂંટણી સુધી ખેંચવો છે.
Reporter: admin